હળવદના સરા રોડ પર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં વર્ષો જુના તળાવને બુરી જમીન પર કબ્જો જમાવવા કારસો રચાતો હોવાની રાવ સાથે હળવદ બસ સ્ટેશન નજીક રહેતા જીતેન્દ્રભાઈ રાઠોડ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું કે સ્થાનિક કોન્ટ્રાકટર દ્વારા હળવદમાં ચાલતા સી.સી.રોડના ખોદકામ દરમિયાન વધારાની નીકળતી કેરણ અને માટીને ડમ્પર મારફતે તળાવમાં ઠાલવવામા અને તળાવનું બુરાણ કરવામા આવે છે. જેટલું તળાવ બુરાયું છે તેમાં કબ્જો જમાવી લેવાયો છે. આ અંગે તા.૨૭/૧૨/૨૦૨૧ અને ૧૦/૦૧/૨૦૨૨ ના રોજ લેખિતમાં જાણ કરવામાં આવી હતી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વર્ષોજુના તળાવની ખો નીકળી રહી છે.
હળવદની વચ્ચોવચ આવેલ આ તળાવ નગરપાલિકાની જાહેર મિલ્કત છે તેની જાળવણી કરવી અને તેને ચોખ્ખું રાખવું એ આપની કચેરીની ફરજ છે હાલ જ્યારે સરકાર તળાવના બ્યુટીફિકેશન માટે લખો રૂપિયા ખર્ચ છે જયારે આ તળાવમાં કચરો નાંખીને ગંદકી ફેલાવવામાં આવે છે તો આ તળાવમાં જે કોન્ટ્રાકટરોએ બુરાણ કરેલ છે અને ગેરકાયદેસર રીતે કબજો કરેલ છે તેની યોગ્ય તપાસ કરી સરકારી ધારાધોરણ પ્રમાણે તેની સામે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આ અંગે આગામી સમયમા કાયદેસર કાર્યવાહી કરવામાં નહી આવે તો તળાવનાં ગેરકાયદેસર બુરાણ અને કબ્જા બાબતે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.