યુવાનોએ અનેક વાર રાજકીય આગેવાનોને રજૂઆત કરવા છતાં માત્ર ઠાલા વચનો આપીને આજદિન સુધી દિવાસ્વપ્નો બતાવવાનું કામ કર્યું છે
હળવદ તાલુકો છેલ્લા કેટલાક સમયથી હરણફાળ વિકાસ કરી રહ્યો છે. ત્યારે ઉદ્યોગો ક્ષેત્રે ખેતી ક્ષેત્ર જિલ્લામાં આગવું નામ ધરાવે છે.હળવદ તાલુકાના બાળકો યુવાનો ની વેદના હ્દય કંપાવે તેવી છે. આઝાદી ના ૭૫ વર્ષ થયા આજે પણ હળવદ તાલુકાના બાળકો યુવાનો માટે રમત-ગમત નું મૈદાન નથી. અનેક વાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી. માત્ર ને માત્ર નેતાઓ મોટી મોટી વાતો કરીને ચૂંટણી સમયે હથેળીમાં ચાંદ બતાવી ઠાલા વચનો આપે છે. તેઓને હળવદ તાલુકાના ભાવિ રમતવીરો ની કોઈ જ ચિંતા નથી.
હળવદ ના યુવાનો એ રાજકીય આગેવાનો ને અનેક વાર પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે આપણે આઝાદ થયે ૭૫ વર્ષ પુરા થવા આવ્યા છતાં આજે પણ અમો એક ગ્રાઉન્ડ માટે વલખાં મારી રહ્યા છીએ માટે ઉચ્ચ સ્તરે અમારી વેદના નો આવાજ ઉપાડો અને બાળકો માટે એક મેદાન આપો જેથી વિવિધ ટુર્નામેન્ટ રમત ગમત સ્પર્ધા યોજાઇ શકે.હળવદ તાલુકાના યુવાનો રમત ગમત માટે એક મેદાન ની તાતી જરૂર છે. હળવદ તાલુકામાં રમત ગમત ક્ષેત્રે કોઈપણ રમતગમત કે સ્પર્ધા યોજવી હોય તો કોઈ સારું ગ્રાઉન્ડ નથી માટે તાત્કાલિક ધોરણે હળવદ તાલુકાના યુવાનો અને રમતવીરોને માટે સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી હળવદવાસીઓ ની લાગણી ઉઠવા પામી છે.