મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ગુરુવારે મોરબી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજીને નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે લોકદરબાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જિલ્લા વહિવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે રહીને ખેતીવાડી, સિંચાઈ, કેનાલ, મહેસુલ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત, આરોગ્ય, રેલવે સહિતના પ્રશ્નોના નિવારણ તાત્કાલીક અને સમયસર આવે તે માટે રજૂઆતોને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યું હતું. વધુમાં સ્થાનિક આગેવાનો તેમજ સીરામીક એસોસિએશનના અગ્રણીઓએ મંત્રીની મુલાકાત કરી મોરબીની ટ્રાફિક સમસ્યા અંગે ચર્ચા હાથ ધરી હતી અને આગામી સમયમાં મોરબીમાં ટ્રાફિક નિયમન કરવા સિગ્નલ મુકી સમસ્યાનો અંત લાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.
આ તકે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં મંત્રી હોવા ઉપરાંત મોરબી-માળીયાના ધારાસભ્ય તરીકે પ્રત્યેક સપ્તાહે મોરબી આવીને નાના મોટા પ્રશ્નો ઉકેલવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા તેમજ પંચાયત અને સંગઠનના પદાધિકારીઓની સાથે રહીને લોકપ્રશ્નોને વાચા મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને સાથે રાખીને લોક દરબારમાં મોટાભાગના પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા, નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, રાઘવજીભાઈ ગડારા, કે.કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા.