મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડે ની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને મોંઘી કારમાં શહેરભરના અનેક વિસ્તારોની સફર કરાવી હતી સાથે ભાવતા ભોજનીયા પણ કારવાયા હતા.
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરાઈ હતી. ગરીબ બાળકોને વૈભવી કારમાં બેસી ફરવું અને મોંઘી હોટેલમાં જમવાનું સપનું હોય છે ત્યારે ખોટા ખર્ચ કરવાને બદલે આવા બાળકોના સપનાને સાર્થક કરવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને સાચી રીતે વ્હાલ કરીને તેમને અનોખો આનંદ આપવા માટે જોય રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અદભુત જોય રાઈડ્સનું શહેરના શનાળા રોડ સ્કાઇ મોલ ખાતેથી આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ તકે સીરામીક ઉધોગકારો પોતાની વૈભવી કાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે ગરીબ બાળકોને સીરામીક ઉધોગકારોની લક્ઝુરિયસ કારમાં બેસાડીને શહેરભરની રોમાંચક સફરની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે બાળકોના મોઢા પર અનેરું સ્મિત જોવા મળ્યું હતું. બાળકોએ કારમાં ઉભા ઉભા જ કિલકારીઓ કરીને અનોખા આનંદની અનુભૂતિ કરી હતી.શહેરના મોટાભાગના માર્ગો પર વૈભવી કારમાં ફરીને ગરીબ બાળકોએ આનંદનો ખજાનો લૂંટયો હતો.બાદમાં ગરીબ બાળકોને મોંઘી હોટલમાં મનગમતા વ્યનજનો જમાડ્યા હતા અને બીજાનું ભલું કરવાના સંદેશને પ્રસરાવવા પ્રયાસ કરાયો હતો.