વાંકાનેર થી વડસર ના તળાવ થી આગળ આવેલા ડુંગરાઓની ટોચ ઉપર સૌરાષ્ટ્રનું સુપ્રસિધ્ધ યાત્રાધામ જડેશ્વર મહાદેવ મંદિર આવેલ છે આ સ્વયં ભુ શિવલિંગ ઉત્તરાંચલમાં આવેલ કેદારનાથ મહાદેવ ના આકારની છે અને મંદિરની કલાકૃતિ અને આકાર પાંડવોના રથની ઝાંખી કરાવે છે જેમાં જડેશ્વર મહાદેવના મંદિરની આજુબાજુમાં જંગલ વિસ્તાર આવેલ હોય ચોમાસાના વાતાવરણમાં ડુંગરા ઉપર ઘાસ ઉગવાને કારણે લીલાછમ ડુંગરાઓમાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે જાણે કોઈ હિલ સ્ટેશન હોય.
વાંકાનેર થી જડેશ્વર પહોંચતા પહેલાં વાંકાનેર રાજવીએ બનાવેલું વડસર તળાવ આવે છે આ તળાવ ડુંગરોની વચ્ચે આવેલ છે તેમજ તળાવની ફરતે વાંકાચૂકા રસ્તા પર ચાલવાનો આનંદ અનેરો છે.ભગવાન ભોળાનાથ સાક્ષાત બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિભાગમાં આજે હજારો વર્ષથી બિરાજે છે એ શાસ્ત્રસિધ્ધ સ્વીકારાયેલ હકીકત છે. આ બાર જ્યોતિર્લિંગની પહેલી સર્વશ્રેષ્ઠ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રના સાગર કિનારે પ્રભાસ ક્ષેત્રમાં શ્રી સોમનાથ મહાદેવ છે. કાળક્રમે ધર્મઝનુની વિદેશી અને વિધર્મીઓ દ્વારા એક પછી એક એમ સાત વખત આ સોમનાથ મંદિર પર હુમલો કરી મંદિરને નુક્સાન પહોંચાડેલ છતાં સોમનાથ મંદિર હિંદુ રાજા અને પ્રજાએ ફરી બંધાવ્યા કર્યું. તેને પણ છેલ્લા મહંમદ ગઝનવીએ હીરા, મોતી, સોનું મેળવવાની અને હિન્દુ દેવસ્થાનો ને તોડવાની ઘેલછાએ સોમનાથ મંદિર પર લુંટ ચલાવી અને ભગવાનની લીંગ મૂર્તિ પણ તોડી નષ્ટ કરી. હિન્દુ ધર્મ શાસ્ત્રો કહે છે કે ધર્મ ઝનુનીના હુમલાથી, અગ્નિથી, તસ્કર વડે કે વિધતાઘાતથી ખંડિત થયેલ મૂર્તિ અને ભગ્ન થયેલ દેવાલયમાં દૈવત્ય રહેતું નથી આ કારણે સોમનાથના જ્યોતિર્લિંગમાંથી મહાદેવની મૂળ જયોત કૈલાશ ધામમાં ચાલી ગયેલ અને સૌરાષ્ટ્ર જ્યોતિર્લિંગ વિહોણું બન્યું અને તેના 500 વર્ષ પછી આ જડેશ્વર નું સ્વયંભૂ લિંગ પ્રગટ થયું અને કહેવાય છે કે સૌરાષ્ટ્ર જ્યોતિર્લિંગ વિહોણું ન રહી જાય માટે મહાદેવે સાક્ષાત આ જ્યોતિર્લિંગ પ્રગટ કરેલ છે.
આ જ્યોતિર્લિંગ ના પ્રગટ થવા પાછળ પણ એક ભવ્ય ઇતિહાસ જોવા મળે છે શ્રી જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથેજામનગરના પરાક્રમી રાજા શ્રી જામરાવળનો જન્મ એતિહાસિક રીતે સંકળાયેલ છે.
જામ રાવળ નો જન્મ કચ્છ દેશમાં કેરા ગામે રામનવમી ના દિવસે થયો હતો. તેમને નાનપણથી જ કાયમ માથું દુખતું હતું તેમના માટે અનેક વૈદ હકીમો દ્વારા ઇલાજ કરાવ્યા પરંતુ બધું નિરર્થક નિવડયું. સમય જતાં તેમને જામનગર ની ગાદી સંભાળી કોઇએ રાજાને ધ્રોલ માં રહેતા એક ત્રિકાળદર્શી વિધ્ધવાન બ્રાહ્મણ પંજુ ભટ્ટ વિશે જણાવ્યું જેથી રાજાએ પોતાના મહેલમાં પંજુ ભટ્ટને બોલાવી માથું દુખવા માટેનું કારણ પૂછતાં ભટ્ટજીએ જણાવ્યું કે તેઓ પૂર્વજન્મમાં વાંકાનેરના અરણીટીંબા ગામે ભરવાડ હતા તે જ ગામમાં એક વૃદ્ધ સોની રહેતો હતો જેની ગાયો આ ભરવાડ સંભાળતો હતો ગામના બધા લોકો તેને ભગો ભરવાડ કહેતા હતા. સોનીની કેટલીક ગાયો પુષ્કળ દૂધ આપતી હતી પરંતુ થોડા દિવસથી દૂધ આપતી ન હતી જેથી ભરવાડ અને સોની એક દિવસ ગાયની પાછળ ગયા અને જોયું કે ગાય એક ખાડામાં ઊભી રહીને દૂધની ધારાઓ વહાવતી હતી. ત્યારે વૃદ્ધ સોની સમજી ગયો કે અહીં ખાડામાં જરૂર કોઈ અદ્રશ્ય દેવ હોવા જોઈએ જેથી આજુબાજુ સાફ કરતાં મહાદેવનું બાણ દેખાયું. ત્યારબાદ ભગો ભરવાડ અને સોની હંમેશા મહાદેવની પૂજા કરવા માટે અહીં આવતા હતા. સોની ભરવાડ ને કહેતા કે આ સ્વયંભૂ ચમત્કારી દેવ છે કોઈપણ શ્રદ્ધાભાવથી અહીં કમળ પૂજા કરે તો તે જરૂર આવતા જન્મમાં રાજા બને. ભગા ભરવાડે મનોમન મહાદેવની કમળપૂજા કરવાનો નિશ્ચય કર્યો અને ૨૦ વર્ષ બાદ ગોર મહારાજ ની સલાહ લઈ ભરવાડે બપોરના સમયે મહાદેવ પાસે બેસીને પૂજા કરી તીક્ષ્ણ હથિયાર વડે પોતાનું માથું કાપી નાખ્યું. તેનું માથુ મહાદેવને અથડાઈને અરણીના વાડામાં પડતાં ખોપડીમાંથી અરણીનું વૃક્ષ ઊગી ગયું હતું. મહાદેવે ભરવાડ ની શ્રદ્ધાથી પ્રસન્ન થઈ આ જન્મમાં રાજા બનાવ્યાં પરંતુ ખોપરીમાંથી અરણીઉગી હોવાથી પવનના લીધે અરણી હલે છે માટે જામરાવલને માથામાં દુખાવો થયા કરે છે. માટે રાજા અને પંજુ ભટ્ટ વગેરે ત્યાં આવી અરણી નું જાડ ગોતી તેને કાપી નાખ્યું ત્યારબાદ જામરાવળને માથાનો દુખાવો દૂર થયો. રાજા જામરાવળ અવારનવાર આવી અહીં પૂજા કરતા તે સમયથી શરૂ કરેલ પૂજા નિમિત્તે દર મહિને પચાસ રૂપિયા આજે પણ જામનગર સરકાર તરફથી જડેશ્વર મહાદેવને મોકલે છે. પેશ્વા સરદાર વિઠોબાને રક્તપિતનો રોગ થતાં જડેશ્વર મહાદેવની આસ્થાથી તે રોગ મટી જવાથી તેમને હાલનું જડેશ્વર નું વિ.સં. 1869 માં ભવ્ય શિવાલય બંધાવ્યું હતું તે સમયમાં જડેશ્વર મહાદેવનું મંદિર રતન ટેકરીના નામે જાણીતું હતું.જેમ જેમ સ્વયંભૂ જડેશ્વર મહાદેવની જ્યોતિની વાત ભક્તોને જાણ થતી ગઇ તેમ તેમ ભક્તો અહીં આવવા લાગ્યાં હતાં. આ શિવાલય આજે સૌરાષ્ટ્ર નું તીર્થસ્થાન બની ગયું છે.
શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવ નો પ્રાગટ્યદિન ઉજવાતો હોવાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ શોભાયાત્રામાં અસંખ્ય લોકો ભક્તિભાવથી જોડાય છે અને તે જ દિવસે શિવભક્તો દ્વારા મેળાનું પણ આયોજન કરવામાં આવે છે આ મેળાની શરૂઆત થી જ અન્ય મેળાઓ અને તહેવારોની શરૂઆત થાય છે. આજે દૂર-દૂરથી લોકો જડેશ્વર મહાદેવના દર્શન માટે આવે છે.શ્રી જડેશ્વર મહાદેવ ના મંદિર દ્વારા યાત્રિકોને રહેવા તેમજ જમવાની સગવડ નિશુલ્ક આપવામાં આવે છે આ ઉપરાંત અહીં વિશાળ ગૌશાળા પણ આવેલ છે આ ગૌશાળા નું દૂધ કે ઘી બજારમાં વેચવાની મનાઈ છે ગૌશાળા નું દૂધ અને ઘી યાત્રિકો માટે જ વાપરવામાં આવે છે .