ટંકારામા ખંડણીખોરોએ વેપારીને ગોળી મારી હત્યા નિપજાવ્યાની અને વ્યંજકવાદીઓના ત્રાસથી વેપારીએ ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હોવાની ઘટના હજુ તાજી જ છે તેવામાં ફરી વ્યાજખોરોના આતંકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં સિરામીક ટાઇલ્સના વેપારીએ 10 ટકા જેવા મોટા વ્યાજે નાણાં લઈ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં છતાં બે શખ્સોએ ઘુનડા ખાનપર ગામે રહેતા યુવાનને પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે પોલીસ સૂત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ટંકારાના ઘુનડા ખાનપર ગામે રહેતા અને ખેતી સાથે સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા બીપીનભાઈ વશરામભાઈ કાસુન્દ્રાને ધંધામાં ખોટ જતા ગજડી ગામના અમિતભાઇ મોહનભાઇ રૂંજા પાસેથી અગાઉ 10 ટકા લેખે રૂપિયા 1,50,000 અને રાજુભાઇ મોમૈયાભાઈ સવસેતા પાસેથી પણ 10 ટકા વ્યાજે 3,50,000 લીધા હતા. આ રકમ બનેં ઇસમોને 4,50,000 અને 9,00,000 ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરોએ ઘરે આવી તેમજ ફોનમાં વ્યાજ અને મુદ્દલ ચૂકવી દેવા ધમકી આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી આથી યુવાને ડરના માર્યા ઘર છોડી દીધું હતું. જે અંગે બીપીનભાઈ કાસુન્દ્રાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.