પોતાના વતનમાં જઇ રહેલા કર્મચારીઓ સાથે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વાર્તાલાપ કર્યો
હાલમાં જ રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતના ૧૦૬૭ કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના પંચાયત વિભાગના ૬૫ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ બદલી પામી રહેલા કર્મચારીઓ સાથે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વાર્તાલાપ કરી રાજ્ય સરકારનો કર્મચારીઓ પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો.
બદલી પામી રહેલા કર્મચારીઓને બદલીના હુકમો આપી તેઓની સાથે વાર્તાલાપ કરતાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત( સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, સમતોલ અને લોકાભિમુખ વહિવટ માટે કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ખૂબ જ જરૂરી છે. કર્મચારીઓનો લાંબા સમયથી અટકેલો આંતર જિલ્લા ફેરબદલીનો પ્રશ્ન નિવારવામાં સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર બન્નેનો પૂરો સહકાર રહ્યો છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, બદલી પામેલા કર્મચારીઓના ચહેરા પર માતા-પિતા, બાળકો અને પરિવારને મળવાનો રાજીપો દેખાઇ રહ્યો છે. સાથે જ મંત્રીએ તમામ કર્મચારીઓને નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી અરજદારોને ધ્યાને લઇને કામગીરી કરવા જણાવ્યું હતું.
આંતરજિલ્લા ફેરબદલી થયેલ કર્મચારીઓએ તેમના પ્રતિભાવો આપી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ઉમદા અભિગમ દાખવી તાજેતરમાં પંચાયત વિભાગ દ્વારા ગુજરાતના કુલ ૧૦૬૭ કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી કરવામાં આવી. જે પૈકી મોરબી જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૬૫ જેટલા કર્મચારીઓને તેમના વતનમાં આંતર જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. આ કર્મચારીઓ સાથે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વાર્તાલાપ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ અને ઇશીતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા તેમજ ફેરબદલી થયેલ પંચાયત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.