મહિને દસ ટકા વ્યાજ સાથે ત્રણ ગણા નાણાં ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી કરી અપહરણ બાદ પુત્રને છરી ઝીકી
મોરબી : મોરબી જિલ્લામાં વ્યાજખોરોએ એટલી હદે માજા મૂકી છે કે નિર્દોષ લોકો ઉપર અત્યાચાર ગુજારતા એમને પોલીસનો જરાય ડર સતાવતો નથી. આવી જ એક ઘટનામાં હળવદમાં વ્યાજખોરોએ તમામ માજા મૂકી હોય તેવી સ્થિતિ વચ્ચે મહિને દસ ટકા વ્યાજ વસૂલી ત્રણ ગણા પૈસા વસુલ કરી લીધા બાદ પણ સંતોષ ન થતા મજબુર પિતા પાસેથી વધુ નાણાં પડાવવા યુવાન પુત્રનું અપહરણ કરી છરીના ઘા ઝીકયા હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
હળવદ પોલીસ મથકે પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જુમાભાઇ કરીમભાઇ નારેજા ઉ.વ.૪૫ ધંધો ડ્રાઇવીંગ રહે. લાંબીદેરી ભવાનીનગરવાળાએ આરોપીઓ મયુર રબારી, નરશી રબારી વિક્રમ મનુભાઇ રબારી, મનુભાઇ રબારી ચારેય રહે. હળવદ તથા અજાણ્યા બે ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, હળવદ સરા નાકે આરોપીઓ પાસેથી ફરીયાદીએ રૂપીયા ત્રણ લાખ દસ ટકા વ્યાજે લીધેલ હોય જે રકમ ત્રણ ગણી રકમ પરત કરી દેવા છતા મૂડી તથા વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલું રાખતા આરોપીઓ સાથે ફરીયાદીના દીકરાને બોલાચાલી થયેલ હોય જેથી તેનું મુડી તથા વ્યાજની ઉઘરાણીના હેતુસર બળજબરીપુર્વક આરોપીઓએ અપહરણ કરી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે માથાના તથા શરીરે ગંભીર ઇજા કરી તથા આરોપીએ છરીથી છરકા પાડી દઇ પગમાં ઇજા કરી આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી મૂઢ ઇજા કરી અને ફરીયાદીની સાથે વ્યાજની ઉઘરાણી બાબતે અગાઉ ગાળાગાળી કરી પઠાણી ઉઘરાણી કરી પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.