મામલતદારના આદેશને પગલે જમીન ઉપર ગેરકાયદે કબ્જો કરનાર ૬ સામે લેન્ડ ગ્રેબીગની ફરિયાદ
મોરબી : મોરબી જિલ્લા તેમજ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલમાં સરકારી જમીન ઉપર કબ્જો જમાવી પચાવી પાડી હોવાનું તંત્રને ધ્યાને આવતા આ અંગે યોગ્ય તપાસ કરીને ફોજદારી કાર્યવાહી કરતા આ જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જેમાં હાલ મામલતદારના આદેશને પગલે જમીન ઉપર ગેરકાયદે કબ્જો કરનાર 6 સામે લેન્ડ ગ્રેબીગની ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વાંકાનેરની મામલતદાર કચેરીમાં નોકરી કરતા ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણીએ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ આરોપીઓ સવાભાઇ રામભાઇ ચાવડા, ખીમાભાઇ સવાભાઇ ચાવડા, રાજુભાઇ સવાભાઇ ચાવડા, મોહનભાઇ સવાભાઇ ચાવડા, અરવીંદભાઇ સવાભાઇ ચાવડા, દીનેશભાઇ ખીમાભાઇ ચાવડા રે.બધા માટેલ તા.વાંકાનેરવાળા સામે ફરિયાદ નોંધાવેલ કે, આરોપીઓએ વાંકાનેર તાલુકાના માટેલ ગામના સર્વે નંબર-૨૭૯ ની ૯૦૦ ચો.મી. જમીન પચાવી પાડવાના આશયથી એકબીજાને મદદગારી કરી એકસંપથી પોતાના અંગત લાભ માટે પોતાનો અનઅધિકૃત કબ્જો કરી આજદીન સુધી ચાલુ રાખીને જમીન ઉપર કબ્જો કર્યો હતો.