પોલીસ ચારેય બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેઓના સ્વાસ્થ્ય અને ઉચ્ચ શિક્ષણની તમામ પ્રકારની જવાબદારી ઉપાડશે
મોરબી: બોટાદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઝેરી કેમીકલ પીવાથી ઘણાં લોકોના અપમૃત્યુના બનાવો બની રહ્યા છે. આ ઘટનાના જવાબદારો સામે પોલીસ વિભાગ દ્વારા કાયદેસ૨ની કડકાઈ પુર્વકની કામગીરી ક૨વામાં આવી રહી છે. ત્યારે કેમીકલકાંડમાં નોંધારા બનેલા ચાર બાળકોને બોટાદ જિલ્લા પોલીસે ઓથ આપી છે.
રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવગાણા ગામના વ્યક્તિ કનાભાઈ સુરાભાઈ ચેખલીયાનું આ ઝેરી કેમીકલ પીવાથી દુ:ખદ અવસાન થયેલ છે. ત્યારે દિવંગત કનાભાઈના પત્નિ પણ લાંબા સમયથી તેઓને છોડીને ચાલ્યા ગયેલ છે અને તેઓના અવસાનથી માતાની છત્રછાયા ગુમાવેલ તેઓના એક પુત્રી અને ત્રણ પુત્ર મળી કુલ ચાર સંતાનોએ પિતાની છત્રછાયા પણ ગુમાવી દીધી છે.
બોટાદ જિલ્લા પોલીસ માતા-પિતા બંન્નેની છત્રછાયા ગુમાવી દિધેલ આ ચારેય બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેઓના સ્વાસ્થ્ય અને ઉચ્ચ શિક્ષણની તમામ પ્રકારની જવાબદારી ઉપાડશે. આ ચારેય બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાનો સર્વાંગી વિકાસ કરે અને પગભર થાય તે માટે તેઓના જરૂરીયાત મુજબની માનવીય જરૂરીયાતો પુરી કરવા સારૂ પણ બોટાદ જિલ્લા પોલીસ તેઓને મદદ કરશે.