અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ ઉપર ઝડપાયેલ હુક્કાબાર પર રેડ મુદ્દે FSL રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. હુક્કાબારમાંથી લેવાયેલ સેમ્બરમાં FSL તપાસ દરમ્યાન ‘નિકોટીન’ મળી આવતા ખળભળાટ મચ્યો છે. તેમજ પોલીસે સંચાલક સહિત ૦૪ વિરુદ્ધ જાણવાજોગ નોંધ કરી તેમની ધરપકડ કરી છે.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, DGP આશીષ ભાટિયાની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ગત તા.૧૭/૦૭/૨૦૨૨ના રોજ અમદાવાદ શહેરના સરદાર પટેલ રીંગ રોડ ઉપર આવેલ સેક્રેડ નાઈન નામના હુક્કાબાર ઉપર રેડ કરવામાં આવી હતી. જેમાં કુલ ૨૯ ચાલુ હુક્કા મળી આવ્યા હતા. તેમજ ૬૮ વ્યક્તિઓ હુક્કાનું સેવન કરતાં મળી આવ્યા હતા. જયારે હુક્કાબારમાંથી મળી આવેલ ફ્લેવરના ૧૩ પેકેટમાં તેમજ ૨૯ હુક્કાઓમાં ભરેલ ફ્લેવરોમાં કોઈ કેફી પ્રદાર્થ છે કે કેમ? તે અંગે કુલ-૪૨ સેમ્પલો લઈ FSLમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારે FSL તપાસ દરમ્યાન તમામ ૨૯ સેમ્પલમાંથી નિકોટીન મળી આવ્યું છે. આથી આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. તેમજ આ ગુનામાં હુક્કાબારના માલિક તથા સંચાલકો કેવલ મહેન્દ્ર પટેલ, ધ્રુવ રાકેશભાઈ ઠાકર, આશિષ વિષ્ણુભાઈ પટેલ અને કરણ વિષ્ણુભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે.