મોરબીમાં દારૂ બંધીનું કેટલું પાલન થાય છે તે મોરબી જિલ્લા પોલીસના દારૂના દરોડાના આંકડા પરથી સમજી શકાય છે. મોરબી પોલીસે દારૂ વેચનારા અને પીનારા પર રીતસરની તવાઈ શરૂ કરી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથકમાં દારૂ પીધેલ હાલતમાં મળી આવેલ છ લોકો સામે ગુનો નોંધી જેલ હવાલે કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવીઝન પોલીસે દારૂ પીધેલી હાલતમાં બે લોકોને દબોચી લીધા છે. જેમાં ત્રાજપર ગામનાં અવેળા નજીકથી રમેશભાઇ ઉર્ફે ધારો ગોપાલ ટીડાણીની તેમજ કમલેશ હરેશભાઇ ટીડાણી નામના શખ્સોની દારૂ પીધેલ હાલતમાં ધરપકડ કરી બંને વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી, ૮૫(૧) મુજબ ગુનો નોંધી બંનેને જેલ હવાલે કાર્ય છે, તેવી જ રીતે મોરબી સીટી એ ડિવીઝનના સ્ટાફ દ્વારા દારૂ પી જાહેરમાં ખેલ કરતા અને અપશબ્દો બોલતા દેવશી કાળુભાઇ ટોયટા નામના શખ્સની અટકાયત કરી છે અને તેના વિરુદ્ધ જાણવાજોગ દાખલ કરી આગળની કાર્યવાહી આરંભી છે.
વાંકાનેર સીટી પોલીસ દ્વારા પણ બે લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં બાબુ ધીરૂભાઇ રાઠોડ તેમજ હરેશ જવેરભાઇ વીકાણી બંને લથડીયા ખાતા અને છાટકો બની તોફાન કરતા મળી આવતા બંનેની તપાસ કરતા દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે બંનેની અટકાયત કરી પ્રોહી કલમ ૬૬-(૧)બી, મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. તેમજ અન્ય બનાવમાં ટંકારા પોલીસે દારૂ પી જાહેરમાં ખેલ કરતા દીગુ કરશનભાઇ સોલંકી નામના શખ્સની અટકાયત કરી છે અને તેના વિરુદ્ધ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૮૫(૧) મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આરંભી છે.