મોરબી જીલ્લામાં જુલાઈ માસથી વરસાદનો પ્રારંભ થયો હતો. જેથી મોરબી જીલ્લામાં આવેલ 10 ડેમમાં નવા નીરની આવક થતા ડેમોની સ્થિતિ આશાસ્પદ જણાઈ રહી છે. ત્યારે બ્રાહ્મણી -2 ડેમમાં પણ નવા નીરની આવક થતા ડેમનાં ગેટ ગમે ત્યારે ખોલવા પડે તેવી સ્થિતિ સર્જાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમના ફોકલ ઓફિસર અને અધિક્ષક ઈજનેર રાજકોટ દ્વારા જણાવ્યા અનુસાર, બ્રાહ્મણી ડેમની સપાટી 80 % ભરાઈ જવા પામી છે. અને સતત આવકમાં વધારો થતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવી શકે છે. જેને લઈ હેઠવાસના નીચાણવાળા 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં સુસવાવ, ટીકર, મીયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, યાડાધારા અને અજીતગઢ ગામના લોકોને નદીના પટમાં અવાર-જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.ત્યારે ઉલ્લેખનીય છે કે, ડેમની જળાશયની ઓવરફ્લો થવાની 44.5 મીટરની સપાટી છે. જેમાં હાલ 42.45 મી. જેટલી સપાટી ભરાઈ ગઈ છે.