એટીએસ દ્વારા મોરબી ખાતે આવેલ કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરી ઈન્ટરમિડીયેટ કેમિકલ પાઉડર 2, અમિનો-5, ક્લોરો બેન્ઝોકફનોલનો રૂ.૩૪,૦૦,૦૦૦ની કિંમતનો ૧૭૦૦ કિ.ગ્રા. જથ્થો કબજે કરવામાં આવ્યો.
મોરબી : વડોદરાના સાવલીમાં મોક્સી ગામેથી ગત સપ્તાહે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે ફરી ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગુજરાત એ.ટી.એસ. દ્વારા ક્ટર કેમ નામની ફેક્ટરીમા દરોડા પાડી ઝડપાયેલ ૨૨૫ કિ.ગ્રા. જેટલા MD ડ્રગ્સના કેસમાં 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા 26 ઓગસ્ટ સુધીનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જે બાદ એ.ટી.એસ. દ્વારા ઝીણવટભરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપી મહેશના કહેવાથી દિલીપ ઉર્ફે દીપક લાલજીભાઇ વધાસીયાનાઓએ સહઆરોપીઓ પિયુષ પટેલ અને મહેશનો મોરબી ખાતેની એક કેમીકલ ફેક્ટરીના માણસો સાથે સંપર્ક કરાવી આપેલ હતો. જે બાદથી આ આખું કારસ્તાન રચવાનું શરૂ થયું હતું.
મોરબીની એક કેમીકલ ફેક્ટરીના માણસો સાથે સંપર્ક થયા બાદ પિયુષ પટેલ તથા મહેશ ધોરાજીએ સદર કેમીકલ ફેક્ટરીનાં ગોડાઉનમાં પેસ્ટીસાઈડ બનાવવાની આડમાં અલ્પાઝોલમ નામના માદક પદાર્થ બનાવવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ માદક પદાર્થ અલ્પાઝોલમ બનાવવા માટેની પ્રક્રિયામાં કુલ સાત સ્ટેજની હોય છે, જે પૈકી પકડાયેલ આરોપીઓએ શરૂઆતના બે સ્ટેજની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હતી. જે અંગેની માહિતી મળતા જ ગુજરાત એ.ટી.એસ.ની ટીમે ગત.19 ઓગસ્ટનાં રોજ મોરબી ખાતે આવેલ સદર કેમીકલ ફેક્ટરીના ગોડાઉનમાં રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ATSને ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2, અમિનો-5, ક્લોરો બેન્ઝોફિનોલનો ૧૭૦૦ કિ.ગ્રા.નો રૂ. ૩૪,૦૦,૦૦૦/-ની કિંમતનો જથ્થો રીકવર કરી સીઝ કર્યો છે. જે સીઝ કરેલ કેમીકલનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ F.5.. દ્વારા કરવામાં આવશે.
જે અંગે પકડાયેલ આરોપીઓના ઘર, ફેક્ટરી તથા ગોડાઉનની સઘન તપાસ શરૂ કરી ગુજરાત એ.ટી.એસ.ની અલગ-અલગ ટીમો બનાવી વડોદરા, ભરૂચ તથા સુરત ખાતે આરોપીઓના ઘરે તેમજ ગોડાઉનમાં રેડ કરતા આરોપી મહેશ ઉર્ફે મહેશ ધોરાજી તથા પિયુષભાઇ અશોકભાઇ પટેલના વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંકરદા ગામમા આવેલ સ્વસ્તીક સીરામીક કંપાઉન્ડમાથી મેફેડ્રોન ૪૫ ગ્રામ તથા પ્લાસ્ટીકની ૭૫ ટ્રેમા ચોટેલો મેફેડ્રોન ૩૪ ગ્રામ તથા મેફેડ્રોન તથા અલ્પાઝોલમ ડ્રગ્સ બનાવેલ મળી આવ્યું હતુ. તેમજ તે બનાવવા ઉપયોગમાં લેવાયેલ વેસ્ટ કેમીકલના ડ્રમ આશરે ૭૦ તથા અન્ય કેમીકલ મળી આવેલ હતા. જ્યારે અન્ય આરોપી મહેશ ઉર્ફે મહેશ ધોરાજીના સુરતના રહેઠાણેથી MD ડ્રગ્સનું વેચાણ કરી તેમાથી મળેલ રૂ.૫૦,૦૦,૦૦૦/- તથા રૂ.૧૨,૦૦,૦૦૦/- ની એક ક્રિયા સેલ્ટોસ કાર તથા મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે મળતી માહિતી મુજબ, આરોપીઓએ ભરૂચ સાયખા જી.આઇ.ડી.સી. ખાતે વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી. નામની કંપનીમા MD ડ્રગ્સ બનાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ત્યાં રેડ કરતાં કંપની ખાતેથી ૦૧ ડ્રમમાથી આશરે ૧૯૫ કિલો જેટલો મેફેડ્રોન બનાવ્યા બાદનો વેસ્ટ જથ્થો મળી આવ્યો હતો. જેની તપાસ કરતાં ટીમા મેફેડ્રોનની હાજરી જોવા મળી હતી.
મળતી માહિતી મુજબ, દિલીપ ઉર્ફે દીપક વધાસીયા, રાકેશ ઉર્ફે રાકો મકાણી તથા વિજય ઉર્ફે વીજો ઓધવજી વસોયાના મકાનમાથી ત્રણ મોબાઇલ ફોન મળી આવતા ATS દ્વારા કબ્જે કરવામાં આવ્યા છે. ત્યારે આ સર્ચ ઓપરેશનમાં મોરબી SOG, સુરત સિટી SOG, વડોદરા સીટી SOG તથા ભરૂચ SOGની ટીમો જોડાઈ હતી. ત્યારે પકડાયેલ આરોપીઓ આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓએ ગેરકાયદેસર રીતે બનાવેલ MD ડ્રગ્સ કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચ્યા છે અને એ માટે તેઓને રૂપિયા કઈ રીતે મળ્યા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે. એ અંગે ATS દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.