મોરબી જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર પધરામણી કરતા એક જ દિવસમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેના પગલે જિલ્લાના અનેક વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. તેમજ માળીયા(મી) તાલુકાના વર્ષામેડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
માળીયા(મી) તાલુકાના વર્ષામેડી ગામ અને હાઇવેને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા વર્ષામેડી ગામનો સંપર્ક કપાયો છે. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે એક વ્યક્તિએ કોઝવે પાર કરવાનો પ્રયાસ કરતા તણાયો હોવાના સમાચાર પણ હાલ સામે આવી રહ્યા છે. જો કે સદનસીબે તે વ્યક્તિએ વીજ થાંભલો પકડી લેતા પ્રવાહમાં તણાતાં બચ્યો હતો. અને બાદમાં ગ્રામજનોએ મહામહેનતે વ્યક્તિને ધસમસતા પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષામેડી ગામને હાઇવે સાથે જોડતા કોઝવે માટે નવેમ્બર ૨૦૨૧મા ૩ કરોડની ગ્રાન્ટ મંજુર થઇ હતી પરંતુ તંત્રની ઢીલીનીતિને કારણે આ કોઝવેનું કામ હજુ પણ ચાલુ કરવામાં આવ્યું નથી.