એક્દમ શાંત ગણાતી સીરામીક નગરી મોરબીની શાંતિ છેલ્લા કેટલાક દિવસથી હણાઈ ગઈ છે. મોરબી જાણે બીજું બિહાર હોય તેમ લુખ્ખા તત્વો અને ગુંડાતત્વો બેખોફ બની પોલીસ અને કાયદાના ડર વગર સરાજાહેર ગંભીર ગુન્હાઓ આચરીને કાયદો અને વ્યવસ્થાના ચીંથરેહાલ કરી દીધા છે. ત્યારે રફાળેશ્વરનાં મેળામાં અજય ચૌહાણએ પાર્કીંગ પોઇન્ટ રાખેલ હતું. જ્યાં લારી રાખવા બાબતે અજયની લારી માલિક સાથે બબાલ થઈ હતી. જ્યાં લારી માલિકે મહિલાનાં શારીરિક અડપલાં કરી અને અજય સહિતનાઓને માર માર્યો હતો. ત્યારે આ બનાવનો ખાર રાખી અજયે લારી માલિકના ગેરેજે જઈ બબાલ કરી હતી. જે બંને મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર, પહેલી ફરિયાદમાં અજય ચૌહાણ નામના શખ્સે રફાળેશ્વર મેળા તહેવાર દરમિયાન પાર્કીંગ પોઇન્ટ રાખેલ હતો. જેમાં પાર્કિગ પોઇન્ટમાં વાહનો પાર્ક કરવામાં મગફળીની લારી તથા પાણીપુરીની લારીઓ અડચરણરૂપ થતી હોવાથી અજયે લારી ધારકોને લારીઓ ખસેડવા અથવા હટાવવા કહ્યું હતું. જે ગેરેજવાળા પટેલના નામથી ઓળખાતા શખ્સને સારૂ નહીં લાગતા સુનિતાબેન ત્રિકુભાઇ પરમાર સાથે ઝઘડો કરી સાથી અંતિમસિંહ, અંતિમસિંહના ભાઇ અને કટીંગ ટાઇલ્સના કારખાના વાળા ભરવાડને બોલાવી ગાળો આપી ફરિયાદી મહિલા, તેના ભાભી અને તેના ભાઈને લાકડી વડે માર માર્યો હતો. જેમાં અજયને માથામાં ફેકચર આવ્યો હતો. તેમજ કટીંગ ટાઇલ્સના કારખાના વાળા ભરવાડે ફરિયાદી મહિલાને છાતીના ભાગે હાથ અડાડી શારીરીક અડપલા કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને મોરબી તાલુકા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
જયારે અન્ય ફરિયાદમાં દશરથ રઘુભાઇ માકાસણા દ્વારા જણાવાયેલ કે, મોરબી જિલ્લાનાં રફાળેશ્વરમાં જી.આઇ.ડી.સી.ના નાકા પાસે તેમનું ઉમા મોટર્સ નામનું ગેરેજ આવેલ છે. જ્યાં ગઈકાલે અજય ચૌહાણ તેમના પત્ની અને બહેન આવ્યા હતા. અને રફાળેશ્વર મેળાના તહેવારમાં ખાણીપીણીની લારીઓ વાળા પાસેથી પૈસાની ઉઘરાણી બાબતે તેમની સાથે બબાલ કરી હતી. અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ મામલો બિચકાતા આરોપી અજય ચૌહાણે ડીસમીસ તથા કુહાડી જેવા પ્રાણઘાતક હથિયાર વડે દશરથભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેમના હાથે તથા પીઠના ભાગે તેમજ તેમની સાથે રહેલ અન્ય શખ્સને પણ માથામાં, આંખ ઉપર કપાળમાં તથા સાથળના ભાગે ઇજા પહોંચાડી હતી. જેને લઈ દશરથભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો.