મોરબી નગરપાલિકા દ્વારા રોડ-રસ્તાની સમસ્યાને લઈને હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને પગલે ઠેર ઠેર રોડ મોટા કરવા, રોડ રીપેર કરવા સહિતના કર્યો થઈ રહ્યા છે. જેને લઈ લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. પરંતુ શોનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં સરકાર દ્વારા કરવામાં આવેલ રોડની કામગીરીમાં અસંતોષ જણાતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર, લાયન્સનગર, ગો.નગર મેઈન રોડનું સરકાર દ્વારા રીપેરીંગ અને રોડને મોટું કરવાનું કામ શરુ કર્યું છે. જેમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ રોડને બંને બાજુ 30 ફુટ લાંબો કરવામાં આવશે. પરંતુ રોડ સાઈડમાં ઘણા લોકોએ ગેરકાયદેસર રીતે દબાણ કરી દુકાનો બનાવી લીધી છે. જેને લઈ નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. પરંતુ નગરપાલિકાએ ફક્ત નોટિસ પાઠવી અને સંતોષ મણિ લીધો હોય તેવું હાલ લાગી રહ્યું છે. કારણ કે આ દુકાનદારોને નોટિસ પાઠવ્યા બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને રસ્તામાં આવતા થાંભલા અને પતરા પણ જેમના તેમજ છે. ત્યારે તંત્રની ગેરજવાબદાર ભરી નીતિને કારણે હાલ રોડ એક સાઇડથી 21 ફુટ તો બીજી સાઈડથી 24 ફૂટનો બની રહ્યો છે, ત્યારે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દબાણ હટાવ્યા વગર કામગીરી શરુ કરી દેવામાં આવી છે. નગરપાલિકા દ્વારા રોડ બન્યા પહેલા દબાણ હટાવવામાં આવ્યા હતા. તો અત્યારે કેમ નહિ ? સંતોષ કારક રોડ બનાવવાની તંત્ર દ્વારા જે વાત કરવામાં આવી હતી. તે પ્રકારે આ વિસ્તારમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમજ રોડ બન્યા બાદ હજુ સુધી માટી ઉપાડવામાં આવી નથી. જેથી સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.