મોરબીમાં કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકી જાહેરમાં જુગાર રમતા શખ્સો ઉપર પોલીસ દિવસેને દિવસે તવાઈ બોલાવી પત્તા પ્રેમીઓને ઝડપી રહી છે. ત્યારે આજે મોરબી તાલુકાના જેપુર ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા આઠ ઇસમોને મોરબી તાલુકા પોલીસે રૂ.૧,૦૬,૨૦૦/- રોકડનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રોહી. જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અવાર-નવાર પોલીસ તંત્રને સૂચના આપવામાં આવે છે. જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર ગોઢાણીયાનાં સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રોહી-જુગાર અન્વયે પ્રેટ્રોલીંગ કરી રહ્યા છે, ત્યારે આજે પેટ્રોલીંગ દરમિયાન પોલીસ કોન્સ. પંકજભા પ્રવિણભા ગુઢડા તથા જયદીપ હર્ષદભાઈ પટેલને સંયુકત ખાનગી બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના જેપુર ગામે જાહેરમાં અમુક લોકો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે રેડ કરતાં જનક જગજીવનભાઈ પટેલ, ગંગારામ જેરામભાઈ પટેલ, અશ્વીન જગજીવનભાઈ પટેલ, મુકેશ જગજીવનભાઈ પટેલ, રાજેશ ડાયાલાલ પટેલ, પાર્થ નવલભાઈ પટેલ, કીરીટ હસમુખભાઈ પટેલ અને હીતેષ રામજીભાઈ પટેલ જુગાર રમતા મળી આવ્યા હતા. જેમની અટકાયત કારી તેમની પાસે રહેલ રોકડ રૂ. ૧,૦૬,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.