હળવદના મહિલા પ્રિન્સિપાલે અડાલજના એક ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. બંધ મકાનમાંથી આશાકુમારી વાઢેરની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. અડાલજમાં આવેલા પાર્શ્વનાથ ફ્લેટમાંથી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જોકે, હાલ આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી.
અડાલજમાં પોલીસે બંધ રૂમ ખોલી તપાસ કરી તો લાશ બેથી ત્રણ દિવસ જૂની હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે વધુ તપાસ શરૂ કરી તો એક બાદ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, આ મૃતદેહ આશાકુમારી વાઢેરનો હોવાનો સામે આવ્યો છે. આશાબેન હળવદમાં એક હાઈ સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. પેહલા તેઓ રાજકોટમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. જે બાદ આશાબેને ક્લાસ 2ની પરીક્ષા આપીને પ્રિન્સિપાલ બન્યા હતા. તેઓ હળવદના મેરુપર ગામમાં હતા.
ગત 30 ઓગસ્ટના રોજ ત્યાંથી નીકળી ગયા હતા અને જેની ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, આશાબેન પોતાના કોઈ મિત્ર મારફતે અડાલજમાં આવેલા પાર્શ્વનાથ ફ્લેટમાં રોકાઈ રહ્યા હતા. જોકે, આ આપઘાત પાછળનું કારણ હાલ ચોક્કસ જાણી શકાયું નથી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આશાબેનના આશરે 4 વર્ષ પેહલા છૂટાછેડા થયા હતા અને જેથી તે એકલા જીવન જીવી રહ્યા હતા. જેના કારણે તેમને આપઘાત કર્યું હોય તેવું લાગી રહ્યું છે.
જોકે, તેમની પાસેથી હાલ કોઈ સુસાઈડ નોટ કે કાંઈ મળી આવ્યું નથી. પોલીસનું કેહવું છે કે, હાલ મૃતદેહનું પીએમ કરવાની કામગીરી કરવામાં આવી છે અને ત્યાર બાદ લાશને પરિવારને સોંપી દેવામાં આવશે. જોકે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, ખરેખર આપઘાત પાછળ એકલું જીવન જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ છે તે તપાસ કરવામાં આવશે. તપાસ બાદ અન્ય ખુલાસા થઈ શકે તેમ છે.