ગણેશોત્સવ ૩૧મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ગણેશ ચતુર્થીથી શરૂ થયો હતો. જે આજે ૦૯મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે. આ દિવસે ગણપતિની મૂર્તિઓનું નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને લઈ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિ વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેને લઇ મોરબી નગરપાલિકાનાં ચીફ ઓફિસર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને આ માટે થઈ અધિકારીઓને ફરજ સ્થળની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
મોરબી શહેર વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરનાર આયોજક મંડળોને અને જાહેર જનતાને નગરપાલિકા તંત્ર જાણ કરવામાં આવી છે કે, ગણેશજીની મૂર્તિ વિસર્જન અંગે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના સ્કાયમોલ-શનાળા રોડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ-જેલ રોડ, એલ.ઈ.કોલેજ ગ્રાઉન્ડ-મોરબી-૨, ગર્લ્સ હાઈસ્કુલ-વીસીપરા મોરબી ખાતે રાખવામાં આવેલ કલેક્શન સેન્ટર ઉપર મૂર્તિ પહોચતી કરવા તથા ત્યાંથી નગરપાલિકા દ્વારા આર.ટી.ઓ. પાસે આવતીકાલે વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. મૂર્તિ વિસર્જન સમયે પાણીમાં ડુબી જવાના બનાવો ન બને તે હેતુથી નગરપાલિકા દ્વારા ફાયર ફાયટરના સાધનો તેમજ સ્ટાફ સહીતની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી તમામ આયોજક મંડળોએ ગણેશજીની મૂર્તિ વિસર્જન કલેક્શન સેન્ટરે કરવું તથા જરૂર જણાયે તો નગરપાલિકાના કર્મચારી હિતેશભાઈ રવેશીયાને તથા જયદીપ લોરીયાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. હિતેશભાઈ રવેશીયાનો મો.નં.-૯૮૭૯૮૮૦૦૫૨ તથા જયદીપ લોરીયાનો મો.નં. ૮૨૦૦૩૦૦૬૧૬ પાર ફોન કરી સંપર્ક કરવાનો રહેશે. અને તેઓની સુચના અનુસાર મૂર્તિ વિસર્જન કરવા ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવ્યું છે.