મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન આપઘાતના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેને લઈ પોલીસ તંત્ર દ્વારા પણ જાહેરાતો કરીને આવા પગલાં ન ભરવા માટે લોકોને અવાર નવાર અપીલ કરવામાં આવતી હોય છે.છતાં પણ ગઈકાલનાં દિવસમા વાંકાનેર શહેરી વિસ્તારમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરવાના ત્રણ બનાવ બનતા વાંકાનેર શહેરી વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.
જેમાં પ્રથમ બનાવમાં વાંકાનેરમાં ખડીપરા શેરી નંબર ૪ માં રહેતા ભાવનાબેન હર્ષદભાઇ ધોળકીયા નામના ૩૬ વર્ષીય મહિલાએ ગઈકાલે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જેમને સુનીલભાઈ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવતા ત્યાં હાજર ડોકટર દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી.
બીજા બનાવમાં વાંકાનેરમાં આરોગ્ય નગર ટાંકી વાળી શેરીમાં રહેતા સંદીપ જગદીશભાઇ ગોરીયા નામના ૨૬ વાર્ષીય યુવકે ગઈકાલે પોતાના ધરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેમને ધર્મેશભાઇ નામના વ્યક્તિ દ્વારા વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડો. નિરવ વ્યાસ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનોમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે.
જયારે આપઘાતના ત્રીજા બનાવમાં શારદા સ્કુલની બાજુમાં, ભાટીયા સોસાયટીમાં રહેતા ઓમસિંહ ઇશ્વરસિંહ રાજપુત નામના ૨૦ વર્ષીય યુવાને પણ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો જે દરમિયાન તેના પિતા ઇશ્વરસિંહ રાજપુત જોઈ જતા તેને તાત્કાલિક નીચે ઉતાર્યો હતો અને વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડ્યો હતો.પરંતુ યુવકને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું છે.
જેથી વાંકાનેર સીટી પોલીસે ઉપરોક્ત તમામ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.