રાજ્યમાં સતત વરસાદને કારણે અનેક જગ્યાએ દુષ્કાળની સ્થિતિ બની છે. તેવામાં હવે મોરબી જિલ્લાના નવ ગામના સરપંચોએ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. અને આમરણ ચોવીસી વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઇ છે. આ સાથે મોરબીમાં પડેલ ભારે વરસાદથી ખેડૂતોને નુકસાનની રજૂઆત કરાઇ છે. જેમાં ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવા માંગ કરવામાં આવી છે.
આમરણ ચોવીસીના નવ ગામ ડાયમંડ નગર,આમરણ, ઓમનગર, ખારચિયા,રાજપર(કું.), ફડસર,બેલા , ઝિંઝૂડા, ઊંટબેટ શામપર ના સરપંચો દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કે, આમરણ ચોવિસી વિસ્તારના આમરણ, બેલા, ફડસર, ઉબેટ-શામપર, ઝીંઝુડા, રાજપર અને ખારચીયા ગામે ગત જુલાઈ માસનાં પ્રારંભથી ઓગસ્ટ ના અંત સુધી ભારે વરસાદ પડેલ છે. જેને કારણે ખેડૂતોનાં સંપુર્ણ પાક આ ગામોમાં નિષ્ફળ ગયા છે.આ વિસ્તારમાં કાળી જમીન હોવાના કારણે પાણી ભુગર્ભમાં ઉતરતુ નથી અને દિવસો સુધી પાણી ભરાઈ રહે છે અને ક્ષાર જમીન લેવલે આવી જાય છે. ત્યારે સતત ૨ મહિના સુધી વરસાદ પડતા ટ્રેક્ટર/બળદથી ખેતી થઈ શકતી નથી. ત્યારે ગત 21/08/2022 ના રોજ કૃષિમંત્રીએ ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારે તેઓએ ખેડૂતોની મુશ્કેલીઓ રૂબરૂ સાંભળ્યા અને રોડ સાઈડના તમામ ખેતરોનું નિરીક્ષણ પણ કરેલ હતું. તેમજ સાચી સ્થિતિથી તેઓ તે સમયે વાકેફ પણ થયા હતા. જે બાદ તેઓએ કડસર ખાતે જઈ મોરબી જિલ્લાના ખેતીવાડી અધિકારીને તાકીદે કાર્યવાહી કરવા અને સર્વે કરવા સૂચના આપી હતી. ત્યારે પત્રમાં આ બાબતે જણાવવામાં આવ્યું હતું કે, કૃષિમંત્રીએ આપટેલ સૂચનાઓનું આજદિન સુધી કોઈ પણ ખેતીવાડી ખાતાના કર્મચારી/અધિકારીએ પાલન કર્યું નથી અને કોઈ હજુ સુધી ફરક્યા નથી. તેમજ સરપંચોને માહિતી મળેલ છે કે કોઈપણ જાતના સર્વે જાત નિરીક્ષણ કર્યા વગર ઓફિસમાં બેસીને પાકને 15% થી ૨૦% નુકસાનીને રિપોર્ટ સરકારમાં સોંપવામાં આવી છે. સરકાર ખેડૂતોની બમણી આવક થાય તે માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. અને સરકાર શક્ય તેટલી નુકસાનીના પ્રમાણમાં સહાય ચૂકવવા ક્ટીબધ્ધ છે. તેમજ S.D.R.Fના નિયમોમાં ખેડૂતોના હિતમાં 50% ને બદલે ૩૩% નુકસાન હોય તો પણ નિયમોમાં ફેરફાર કરેલ છે. આવા સંજોગોમાં ખોટા રિપોર્ટિંગ કરીને સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર કર્મચારી/ અધિકારી સામે તાકીદથી અસરથી ખાતાકીય ઇન્કવાયરી નિમિને ધ્યાને લઈ કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. આ રીતે ખોટા રિપોર્ટિંગ કરીને સરકાર અને ખેડૂતો વચ્ચે ગજગ્રાહ ઊભી થાય અને સામસામે આવે તે રીતે જાણી બુજીને ગેરમાર્ગે દોરનાર સંબંધિત સામે તાકીદે કાર્યવાહી કરવા સરપંચો દ્વારા માંગ કરવામાં આવી છે.