મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરી અને લૂંટફાટના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લાના બેલા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં એક શખ્સ ચોરી કરવાના ઇરાદે આવ્યો હોવાની શંકાના આધારે તેને કારખાનામાં પકડી પાડી સાત લોકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી અનુસાર, એક 30 થી 35 વર્ષીય શખ્સ ગઇકાલે બેલા ગામની સીમમાં આવેલ મીનરલ એલએલપી કારખાનામાં ઘસી આવ્યો હતો. જે ચોરીછૂપે આવ્યો હોવાથી તે કારખાનામાં ચોરી કરવાના ઇરાદે આવ્યો હોવાની શંકા ના આધારે કારખાનામાં ઉપસ્થિત રાજપાલસિંગ રામનાથસિંગ રાજપૂત, રમેશ પ્યારજી સવંધીયા, હરીરામ મલમ રજક, મોહન ઉર્ફે છોટુ લક્ષમણ, રવિ રમેશભાઇ કાવર, વિનોદ ઉર્ફે વિકી કરશનભાઈ આમેસડા અને ગણપતભાઇ રતિલાલ કાવર નામના સાત લોકો દ્વારા યુવકને લાગણી, ધોકા સહિતના હથિયારો વડે તેમજ ઢીકાપાટાનો માર મારતા યુવકને અતિ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે યુવકને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતુ. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.