થોડા દિવસો અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત આનંદ સાગર સ્વામી દ્વારા પોતાના પ્રવચન દરમિયાન કરોડો લોકોના આસ્થા સભર ભગવાન ભોળાનાથ વિશે ટીકા સભર નિવેદન કર્યું હતું જેને લઈને સમગ્ર બ્રાહ્મણ સમાજ અને અન્ય સમાજમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો કે બાદ આનંદ સાગર સ્વામીએ માફી માંગી હતી.
મોરબીમાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહ માં વકતા પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે અત્યારે અમુક સંતોના નિવેદનો આવી રહ્યા છે. તેનાથી હું નહીં પણ મારા વ્યાસપીઠના જન્મદાતા વ્યાસ ભગવાન દુઃખી થાય છે. ન કેવલ હું એક હિન્દુ તરીકે, ન કેવલ એક બ્રાહ્મણના દીકરા તરીકે, ન કેવલ એક હિન્દુ આધ્યાત્મ પરંપરાના પ્રતિનિધિ તરીકે, પરંતુ સનાતન ધર્મના એક અણુ તરીકે, મને ખૂબ દુઃખ થાય છે. કે અમુક સંતો પોતાના વક્તવ્યમાં કપોડ કલ્પિત વાર્તાઓ ઉભી કરીને, ભગવાન શિવને પોતાના સેવકોના ચરણને વંદન કરાવે છે. આ ખૂબ મોટી હિંસા છે. કે જે તમે કરી રહ્યા છો. તમે સનાતન ધર્મની એક ધારા છો. એમાં અમને કોઈ વાંધો નથી. પરંતુ તમારા તરફથી આવતા આવા નિવેદનો અમને વ્યગ્ર કરી દે છે. આ બધું બંધ થવું જોઈએ. અને મારા ધ્યાન પર છે કે, આવા વર્ણનો સાથેના ગ્રંથો પણ રચાયા છે. તો સત્વરે ગ્રંથોને પણ હટાવવા જોઈએ. અને અત્યારે ઉપસ્થિત સ્વામી નારાયણના સંતોને હું અત્યંત વિનમ્ર ભાવે કહીશ કે, તમારા જેવા સારા સંતોએ, આવા કોઈ સંત મહાત્મા, જ્યારે આવા નિવેદન કરી રહ્યા હોય, ત્યારે તમે એમને અટકાવો. એ તમારી પહેલી ફરજ બને છે. અને જો આવા ગ્રંથોના વર્ણનો હશે, તો તેનાથી આધ્યાત્મની ખૂબ મોટી હાનિ થશે. સનાતન ધર્મની ખૂબ મોટી હાનિ થશે. એક પ્રકારની હિંસા થશે. અને તમારા સંપ્રદાયને પણ ખૂબ મોટી હાનિ થશે. માટે આવા બાધક વર્ણનો વારા પુસ્તકો ફાડી નાખવા જોઈએ. અને બાળી નાખવા જોઈએ.અને તમને ખબર હોવી જોઈએ કે શિવપુરાણ વાંચીએ ત્યારે તેમાં વર્ણન આવે કે, વિષ્ણુ ભગવાન અને ભગવાન બ્રહ્મા પણ હાથ જોડીને શિવની સામે નતમસ્તક ઊભા હોય છે. અને વિષ્ણુ પુરાણ વાંચો ત્યારે તમને વાંચવામાં આવશે કે, ભગવાન વિષ્ણુની સામે હાથ જોડીને ભગવાન શિવ વૈષ્ણવ તરીકે તેમની સામે ઉભા હોય છે. અને જો દેવીપુરાણને વાંચો તો તમને વાંચવામાં આવશે કે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ પરા અંબા, આધ્યા શક્તિ સામે હાથ જોડીને ઉભા હોય છે. અને સર્વ દેવતાઓ પણ સ્તુતિ કરતા હોય છે. “શક્રાદય સ્તુતિ” બીજું શું છે ??? તે તેનું પ્રમાણ છે. પણ આવા નિવેદનો જ્યારે હું સાંભળું છું. ત્યારે આ બ્રાહ્મણનું દિલ દુભાય છે. આવું કૃત્ય ન કરો. અને આવું કૃત્ય કરનારાને સંતો તમે અટકાવો. નહિતર સનાતની સાધુઓના જો મગજ વીફરશે, તો તે કોઈના હાથમાં કે અંકુશ માં એ વાત પછી નહીં રહે. અને અરુચિત પર પરિણામો આવશે. માટે વિનંતી કરું છું કે, વ્યાસપીઠ પર બેઠેલા આ બ્રાહ્મણનું દિલ દુભાય છે. આવા નિવેદનો ન કરો. તમે તમારા સેવક ના છોકરાઓ પાસે જો ભોળાનાથને પગે લગાડો એ કેટલા હદ સુધી વ્યાજબી વાત છે. માટે કહું છું સાવધાન થઈ જાવ. સમજીને બોલો. ભોળાનાથ જેવો “વૈષ્ણવ શ્રેષ્ઠ” બીજો કોઈ નથી. અને વિષ્ણુ જેવો “શૈવ” બીજો કોઈ નથી. માટે આવા ગ્રંથો આવા પુસ્તકો જે રચાયા છે, તેને હટાવી દો. નહિતર આ બધું સારું પણ નહીં લાગે અને વાતાવરણ પણ દૂષિત થશે. એવી રીતે કોઈના ઇષ્ટને હેઠો ન પાડો. તમને કદાચ એમાં શ્રદ્ધા હોય. અમને વાંધો નથી. પણ બીજાને હાનિ પહોંચે એવા નિવેદન ન કરો. અમને તો અમારા ગુરુમાં પણ ભગવાન દેખાય છે. એ પોતાની સ્વતંત્ર શ્રદ્ધા છે. તેનાથી કોઈ અન્યના ઇષ્ટને ઉતારી ન પાડો. અરે અંતે એટલું કહીશ કે, અંતઃકરણથી સાચા અર્થમાં ક્ષમાં માંગી લ્યો અને બીજી વખત આવી ભૂલ ન થાય તે ધ્યાન રાખો આટલું કહીને સપ્તાહમાં હાજર રહેલા સ્વામિનારાયણ ના સંતો આવા સંતોને સમજાવવા ટકોર કરી હતી.