મોરબી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હવે આરોગ્યને લગતી સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. મોરબી ખાતે રૂ.પ૦૦-કરોડના ખર્ચે મેડીકલ કોલેજ બનવા જઇ રહી છે. તેમજ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા કરાયેલ રજૂઆતોને આખરે મંજૂરી મળી છે. મોરબીના માળીયા(મી) તાલુકાના પિપળીયા ચાર રસ્તે રૂ.૩.૫ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા આવશે.
મોરબી વિસ્તારમાં આરોગ્ય વિષયક આનુષંગિક સુવિધાઓ વધુ ઘનિષ્ઠ બને તે માટે મોરબી માળીયા(મી) વિસ્તારના ધારાસભ્ય અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલને અગાઉ આરોગ્યને સુવિધાઓને લઈ રજૂઆતો કરેલ હતી. તે અંતર્ગત માળીયા(મી) તાલુકાના પિપળીયા ચાર રસ્તે ચાચાવદરડા ગામમાં રૂ.૩.૫ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરાવવામાં સફળતા મળી છે. આ અંગેની સત્તાવાર જાણકારી આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે. તે બદલ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનવામાં આવ્યો હતો.
ત્યારે ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પિપળીયા ચાર રસ્તા કેન્દ્ર એવું છે કે, જ્યા આમરણ ચોવીસીના ગામો, મોરબી તાલુકાના ગામો અને માળીયા(મી) તાલુકાના ગામોના ત્રિભટે આવેલ સ્થળ છે. ત્યાં રૂ.૩.૫ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ થવાથી અનેક લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. તેમજ ધારાસભ્ય બ્રિજેશ મેરજાને ભૂપેન્દ્ર પટેલની વડપણ હેઠળની સરકારમાં મંત્રી તરીકે એક વર્ષ પૂર્ણ થયું છે તે જ દિવસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પોતાના મત-વિસ્તારના લોકોને ભેટ અપાવવામાં બ્રિજેશ મેરજા સફળ રહયા છે, જે બાદલ ભાજપના આગેવાનોએ બ્રિજેશ મેરજાને ખાસ અભિનંદન પાઠવ્યા છે.તેમજ બ્રિજેશ મેરજાએ પણ તમામ આગેવાનો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ સહીત ભાજપના તમામ અગ્રણીઓને આભારની લાગણી વ્યકત કરી છે.