મોરબી તાલુકાના પીપળી અને શક્ત શનાળા ગામેથી દારૂના બે ગોડાઉન પર એલસીબી દ્વારા રેઇડ કરવામાં આવી હતી. જેમાં બંને ગોડાઉન માંથી આશરે ૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ઉપરાંત ત્રણ જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.જ્યારે બીજી તરફ એકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ એલસીબીની ટીમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પીપળી ગામની સીમમાં આવેલ રોયલ ઇન્ડ્સ્ટ્રીઝ એસ્ટેટ પ્લોટ નંબર ૧૭ વાળા ગોડાઉનમાં રેઇડ કરવામાં આવી હતી બાદ એલસીબી દ્વારા શનાળા જીઆઈડીસી નિતિનઝોન વિસ્તારમાં આવેલ ઉમા પ્લાસ્ટિક પાસે ધર્મેશભાઈ પ્રજાપતિના ગોડાઉનમાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે એલસીબી દ્વારા આ બંને ગોડાઉન માંથી નાની મોટી દારૂ ની કુલ ૧૮૯૬ બોટલ કી.રૂ. ૯,૩૪,૬૨૦/- ઉપરાંત મહિન્દ્રા બોલેરો કી.રૂ.૧૦,૦૦,૦૦૦/-, મોટર સાયકલ નંગ -૧ કી.રૂ.૫૦,૦૦૦/- ઉપરાંત મોબાઈલ નંગ -૪ કી.રૂ ૨૦,૦૦૦/- મળી કુલ ૨૦,૦૪,૬૨૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી ભરતભાઈ નારણભાઈ ડાવેરા ઉ.વ.૩૬ રાહે ફડસર, રતનલાલ ગોદરા ઉ.વ.૪૫ રાજસ્થાન વાળો, પારસ ખીયારામ તેતરવાલ ઉ.વ.૨૮ રાજસ્થાન વાળો મળી આવ્યા હતા ત્યારે એલસીબી દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ઉપરાંત એક આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.