મોરબી જિલ્લામાં સરકારી જમીન પર દબાણ કરી મિલકતો ઉભી કરનારા તત્વો સામે હવે વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. અને આવા લોકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના વાંકાનેરમાં આવેલ લાકડધાર ઢુવા ચોકી પાસે દબાણ કરી ખેતી કરતા એક શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનાં કાયદા તળે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, સુનીલભાઇ અમરશીભાઇ પટેલની મોરબીના વાંકાનેરમાં આવેલ લાકડધાર ઢુવા ચોકી પાસે ગામના સર્વે નં.૧૭૬ પૈ.૧ વાળી ૩૪૪૦ ચો.મી જગ્યા આવેલ છે. જેમાં કાનાભાઇ ભલાભાઇ સરવીયા નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી 2005માં જગ્યા પચાવી પાડવામાં આવી હતી. અને તે જગ્યા પર પોતાના લાભ માટે ખેતી કામ કરવાનું શરુ કર્યું હતું. જેને પગલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાનાભાઇ ભલાભાઇ સરવીયા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ- ૩, ૪(૧)(૩),૫(ગ), મુજબ ગુનો નોંધાયો છે.