ગઈકાલે રાત્રે મોરબીના માધાપર માં સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બે રાઉન્ડ ફાયરિંગ થયા હતા જેમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં છ શખ્સો સામે ગુનો નોંધાયો છે.
આ મામલે ફરિયાદી સંગ્રામસિંહ જાડેજા એ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યા ના અરસામાં આરોપીઓ હેમંત સુખદેવભાઈ કોળી (રહે.મકનસર),રાહુલ સવજીભાઈ કોળી (રહે.માધાપર ૨૨),કિશન પ્રહલાદભાઈ કોળી (રહે.ત્રાજપર ખારી) વાળાએ ફરિયાદીના પૌત્ર તેમજ ફરિયાદીના દીકરાની પત્ની સાથે શેરીમાં ફટાકડા ફોડવા બાબતે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો જેથી ફરિયાદી સંગ્રામસિંહ દ્વારા આરોપીઓને ગાળો બોલવાની ના પાડી હતી બાદમાં ઉપરોકત ત્રણે આરોપીઓને એમના સંબંધી સમજાવીને ઘરે લઈ ગયા હતા જેની થોડી જ વારમાં ત્રણ માંથી કોઈ આરોપીએ બહારથી ચોથા આરોપી તુલસી હસમુખભાઈ સંખેશરીયા (રહે. રાજનગર પંચાસર રોડ મોરબી) વાળાને બોલાવ્યો હતો જેથી આરોપી તુલસી અને તેની સાથે અન્ય બે અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવી એકદમ ઉશેકરાઇ જઈ ફરિયાદીને ગાળો આપી હતી અને ફરીથી ઝઘડો કરી આરોપી તુલસી સંખેશરીયાએ પોતાની પાસે રહેલી ગેરકાયદેસર પિસ્તોલ કાઢી ફરિયાદી ને સામે તાંકીને બે રાઉન્ડ ફાયર કર્યા હતા પરંતુ ફરિયાદી સાઈડ માં જતા રહેતા ફરિયાદીને મોઢે મુક્કો મારી ઈજાઓ કરી હતી જે દરમિયાન આરોપી તુલસીને ફરિયાદીએ ધક્કો મારી પાડી દીધો હતો જેથી તેની સાથે આવેલા બે અજાણ્યા ઈસમોએ ફરિયાદી ને કહેલું કે આજે તું બચી ગયો છો હવે ભેગો થાઈસ તો મારી નાખીશું કહીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા .જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા કુલ છ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઝઘડા દરમિયાન આરોપી તુલસી સંખેશરીયા અને અન્ય એક સની ડાભી નામના વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને આ બનાવની જાણ થતાં જ પીઆઇ એચ.એ.જાડેજા સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી ફાયર કરેલ બુલેટના ખાલી કારતુસ કબજે કર્યા હતા અને તપાસ હાથ ધરી હતી અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.