મોરબીની મચ્છુ નદી પર આવેલ ઝૂલતો પુલ તૂટતાં શહેરભરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, જે સમયે પુલ તૂટ્યો તે સમયે લગભગ 400 લોકો પુલ પર હતા. પુલ તૂટતાં જ લોકો નદીમાં પડી ગયા હતા. આ ઘટનામાં ૪૨થી વધુ લોકોનાં મોત નિપજયાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ પણ અધિકારીઓને ઘટનાને તાત્કાલિક જવા અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા સૂચના આપી છે. તેમજ નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલને સતત નજર રાખવા સુચનો આપ્યા છે. અને સતત દેખરેખ રાખો અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ કરવા સૂચનો કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. જેના કારણે અંદાજિત 20થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, અજંતા ઓરેવા સંચાલીત આ પુલ સમારકામ માટે 6 મહિનાથી બંધ હતો. જે બાદ તહેવારોને ધ્યાને લઈ ત્રણ દિવસ પહેલા જ પુલ ખુલ્યું હતું. ત્યારે આજે રજાનાં છેલ્લા દિવસે સવારથી હજારો લોકોએ આ પુલની મુલાકાત લીધી હતી. જે દરમિયાન 6 થી 7 વાગ્યા આસપાસ પુલ પર વધુ પ્રમાણમાં લોકો ચડી જતા દુર્ઘટના બની હતી, જેને લઈ મોરબી જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે. તેમજ ઘટનાને પગલે દરબારગઢથી નહેરુ ગેટ કે જેને મુખ્ય બજાર વિસ્તાર કહેવાય છે તે સમગ્ર વિસ્તારને પોલીસ તેમજ લોકોના સમર્થનથી કોરીડોર જાહેર કરવામાં આવ્યો છે. તેમજ મોરબી શહેર એમ્બ્યુલન્સનાં સાઈરન્સથી ગુંજી ઉઠ્યું છે. તેમજ ઘાયલોને મોરબી સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
મોરબીનો ઝુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન નંબર 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી કરી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં પુલ પરથી નીચે પડેલ લોકોના પરિવારજનો પોતાના સ્વજનોને ગોતવા સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા છે.