મોરબી શહેરમાં ગત તા.30/10/2022 નાં સાંજના સમયે ઝુલતો પુલ તુટવાની ગોજારી દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકો ભોગ બની મૃત્યુને ભેટ્યા છે. અને અનેક લોકોને ઇજા થઈ છે. ત્યારે મોરબી શહેરમાં કાળજું કંપી જાય તેવી ભયાનક માનવ સર્જિત આ દુર્ઘટનાની સંપૂર્ણપણે તટસ્થ અને ન્યાયીક તપાસ થવી કરવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ રાજુભાઈ એમ. કાવર દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ આ અંગે મોરબીનાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસને પત્ર લખવામાં આવ્યો છે.
રાજુભાઈ એમ. કાવર દ્વારા જણાવ્યા અનુસાર, મોરબી નગરપાલિકા અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ (ઓરેવા ગ્રુપ) સંચાલિત મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ રીનોવેશન બાદ અચાનક તુટી પડ્યોએ સરકાર અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડની બેદરકારી છે તે જગજાહેર છે. ઝુલતો પુલ તુટવાનાં બનાવમાં મોરબી નગરપાલિકાનાં ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ પ્રજાને ગુમરાહ કરતાં હોય તેવા નિવેદનો આપે છે કે, ઝુલતો પુલ ચાલુ થયો તે અમને ખબર નથી. તો આવા નિવેદનો કરનાર વહીવટી ચીફ ઓફિસરને બેદરકાર બેજવાબદાર સમજી સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ મોરબી ભાજપ શાસીત નગરપાલિકાનાં પદાધિકારીઓએ અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડને ઝુલતો પુલને ફરી વખત સોંપવાનું કામ કારોબારી સમિતિમાં ઠરાવ કરી અને પાલિકામાં જનરલ બોર્ડમાં મંજુર કરી આ ઝુલતો પુલ ઓરેવા ગ્રુપને સોંપવાનાં કરાર કરેલ જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના પદાધિકારીઓ, કલેક્ટર અને ઓરેવા ગ્રુપનાં એમ.ડી.એ આ કરાર પર સહી કરેલ. તેમ મોરબી શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ રાજુભાઈ એમ. કાવરે પત્રમાં જણાવ્યું હતું.
રાજુભાઈ કાવરે વધુમાં લખ્યું હતું કે, સીધા જવાબદાર ગણાતા અધિકારી, પદાધિકારી સામે પોલીસ એફ.આઈ.આર.માં આરોપી તરીકે નામ જોગ ફરિયાદ કરવાનાં બદલે અન્ય ઓરેવા ગ્રુપનાં નાના કર્મચારીઓ ઉપર ફરિયાદ કરી મુખ્ય અને બેદરકાર બેજવાબદાર લોકોને બચાવવાનો ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા કારસો રચવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો મોરબી શહેર કોંગ્રેસ સમિતિ મોરબીની પ્રજા વતી સરકાર અને પોલીસ વિભાગ પાસે માંગણી કરીએ છિએ અને આ ગોજારી ઘટનાનાં મુખ્ય જવાબદાર મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડનાં એમડી અને કરારનામામાં અને ઠરાવમાં સહી કરનાર ચુંટાયેલા મોરબી નગરપાલિકાના સદસ્યો અને પદાધિકારીઓ સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવર, મહેશભાઇ રાજ્યગુરુ અને રમેશભાઈ રબારીની માંગણી મોરબી શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ રાજુભાઈ એમ. કાવર દ્વારા કરવામાં આવી છે…