વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈ વિવિધ પાર્ટીઓ દ્વારા ફરી કાવા-દાવા શરુ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા સરકારમાં કરેલ રજુઆતોને ધ્યાને લઈ મોરબી જીલ્લાના મોરબી તાલુકા તથા ટંકારા તાલુકાના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ 10 રોડ અંદાજે 44.42 કરોડના ખર્ચે સરકાર દ્વારા મંજુર કરાતા સ્થાનિકોમાં ખુશીની હેલી જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી જગદીશભાઈ પંચાલ દ્વારા વિવિધ 10 રસ્તાઓ મંજુર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી તાલુકાના કુલ 6 રસ્તાઓ જયારે ટંકારા તાલુકાના કુલ 4 રસ્તાઓ મંજુર થતા છે. જેમાં મોરબી તાલુકાના લીલાપર થી વીરપર રોડ, થોરાળા થી પંચાસર રોડ, બગથળા—પંચાસર રોડ, લખધીરનગર થી ઘુનડા(સ.) રોડ, લીલાપર થી લખધીરનગર રોડ અને મોરબી ઘંટ રોડને અંદાજે રૂ.30 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવશે. જયારે ટંકારા તાલુકાના લજાઈથી ભીમનાથ મહાદેવ મંદીરથી નસીતપર રોડ, ટંકારા એપ્રોચ સીસી રોડ, એસ.એચ. ટૂ લખધીરગઢ અને નસીતપર-નાના રામપર-મોટા રામપર, મોટા રામપર-ઉમિયાનગર રોડ પર માઈનોર બ્રીજ કુલ 13 કરોડનાં ખર્ચે બનાવવામાં આવશે.