મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં સમઢિયાળા ગામે ગત તા.૨૦/૧૧/૨૦૨૨ ના રાત્રીના સમયે આધેડે તેના પ્લોટમાં જેસીબી પાર્ક ન કરવા કહેતા ઉશ્કેરાયેલ ત્રણ શખ્સોએ આધેડને ઢોર માર માર્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના સમઢીયાળામાં રહેતા ઇકબાલભાઇ જમાલભાઇ પીપરવાડીયાનો કોઠી ગામના બસ સ્ટેશન પાછળ પ્લોટ આવેલ છે. જ્યાં ગત તા.૨૦/૧૧/૨૦૨૨ ના રાત્રીના સમયે સતાભાઇ લાખાભાઇ ભરવાડ નામના શખ્સે પોતાનું જેસીબી રાખેલ હોઇ જે ફરીયાદીએ લઇ લેવાનું કહેતા આરોપીઓને સારૂ લાગ્યું ન હતું. જેને લઇ તેણે ફરિયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી લાકડી વડે માર માર્યો હતો. તેમજ તેની સાથે રહેલ નવઘણ સતાભાઇ ભરવાડ અને સતાભાઇ ભરવાડનાં દીકરાએ સ્થળ પાર આવી લોખંડના પાઇપ વતી તથા ઢીકા પાટુનો માર મારી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇપીસી ક.૩૨૩,,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.