મોરબીમાં અકસ્માત અને આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલના દિવસમાં જ અલગ અલગ કારણોસર ચાર લોકોના મોત થયાના બનાવો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર, ગાળા ગામ પાસે ઇટાનો સીરામિકમાં રહેતા રવિન્દ્રસિંહ ઉર્ફે સન્ની રામભાઇ નિશાદ નામના ૩૫ વર્ષીય યુવક ગઈકાલે જેતપર ગામના તળાવમાં ન્હાવા ગયો હતો. ત્યારે કોઈ કારણસર તળાવના પાણીમાં ડુબી જતા તેના ભત્રીજા યોગેન્દ્રસિંગ સુરજસિંગ નિશાદે તેમને બહાર કાઢી જેતપર CHC ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને તપાસી મૃત જાહેર કર્યું હતું અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજી બાજુ, હળવદનાં ટીકરમાં રણની ઢસીએ ગઈકાલે શૈલેષભાઈ નાગરભાઈ સુરાણી અને સરોજબેન શૈલેષભાઈ સુરાણી નામના પતિ-પત્નીનાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે બંન્ને મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પી.એમ થઈ આવતા હળવદ પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે. જયારે અન્ય બનાવમાં મોરબી તાલુકાનાં નાનીવાવડી ગામેં ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા મનિષ નરેશભાઇ મકવાણા નામના ૨૫ વર્ષીય યુવકે કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને ગળેફાંસો ખાઇ લેતા તેના પરિવારજનો દ્વારા તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હાતો. પરંતુ મનિષ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.