હળવદનાં ધનશ્યામપુર ગામે છ વર્ષ પહેલા થયેલ મર્ડર અને હાફ મર્ડરના ગુનાના બે આરોપીઓને મોરબી સ્પેશ્યલ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જયારે અન્ય એક શકમંદ શખ્સને નિર્દોષ જાહેર કરી છોડી દેવામાં આવ્યો છે.
બનાવ અંગે મળતી વિગતો અનુસાર, નટુભાઈ રાઠોડ અનુસૂચિત જાતિના હોય અને તેની જ્ઞાતીની મંડળીની જમીન ખેડતા હોય તે જમીન તેમની પાસેથી પડાવી લેવા માટે ધીરૂભાઇ ગોવીંદભાઇ પટોળીયાએ નાગજીભાઇ લક્ષ્મણભાઇ રબારીને પોતાની જી.જે.૩૬,ટી,૧૬૦૦ નંબરની માલીકીની બોલેરો ગાડી ડ્રાઇવર તરીકે રાખી આ જમીનમાં કોઇને આવવા નહી દેવા અને આવે તો તેની સામે ગમે તે કરી લેવાની સુચના આપી બનાવના દિવસે એટલે કે, ૩૧/૦૫/ર૦૧૬ના રોજ નટુભાઈ તથા તેના સાથીઓ આ જમીનમાં કામ કરતા હોય ત્યારે ધીરૂભાઇની સુચના મુજબ નાગજીભાઇએ વિનોદ ઉર્ફે વીનુ અમરશી કોળીને બોલેરો ગાડીમાં સાથે રાખી ફરીયાદી તથા સાથીઓ ઉપર ગાડી ચડાવી દઇ હડફેટે લઇ કીશોરભાઇને ગંભીર ઇજા કરી મોત નીપજાવી ખુન કરી તેમજ અન્ય સાથીઓને મારી નાખવાની કોશીશ કરી બનાવના દિવસે ત્રણેય આરોપીઓ સતત એક બીજાના ટેલીફોનીક સંપર્કમાં રહી ગુન્હાહીત કાવત્રુ રચી પોતાનો ઇરાદો પાર પાડી ગુન્હામાં એક બીજાને મદદગારી કરતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા.
જે બાદ આજે મોરબીની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટમાં રજુ કરવામાં આવતા ૨૨ મૌખિક અને ૩૮ દસ્તાવેજી પુરાવા ને ધ્યાન માં રાખીને અને સરકારી વકીલ સંજયભાઈ દવે ની ધારદાર દલીલોને ધ્યાને લઇને મોરબી કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં ધીરુભાઈ ગોવિંદભાઇ પટોળીયાને નિર્દોષ ઠરાવી છોડી દેવામાં આવ્યા હતા. જયારે નાગજીભાઇ અને વિનોદ ઉર્ફે વીનુને આજીવન કેદની સજા અને રૂ.25,000/-નો દંડ ફટકારવામાં આવ્યો હતો.