મોરબી પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા રોજે રોજ છાપામારી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં બુટલેગરો નવા નવા નુસખા અપનાવી એનકેન પ્રકારે મોરબીમાં દારૂ ઘુસાડી દેતા હોય છે. ત્યારે ગઈકાલે આવા જ એક બનાવને આપવા જય રહેલ એક ઇકો કારના ચાલકને અકસ્માત નડ્યો હતો. અને મોરબી નજીક વિદેશી દારૂ ભરેલી ઇકો કાર પલ્ટી મારી જતા રોડ ઉપર દારૂની રેલમછેલ થઇ હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીના નીચી માંડલ ગામ નજીક ઇકો ખાડામાં ખાબકી હતી. GJ 13 AM 6047 નંબરની વિદેશી દારૂ ભરેલ ઇકો ગાડી બેકાબુ થતા ખાડામાં ખાબકી હતી. જેને કારણે કારનો કચ્ચઘાણ નીકળી ગયો છે. જ્યારે કારમાં ભરેલ દારૂની રેલમ છેલ જોવા મળી હતી. તેમજ ઇકો ગાડીમાં બે લોકો સવાર હતા. જેમાંથી એક વ્યક્તિને હોસ્પીટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય વ્યક્તિ નાસી ગયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તેમજ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઇકો ગાડીને ક્રેન વડે બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી.