મુંબઈની શેરબજારમાં અચાનક શેરના ભાવ આકાશે આંબવા લાગ્યા. અત્યાર સુધી તો ઈતિહાસમાં આવી અફરા તફરી ક્યારેય નહોતી જોઈ. જેમને શેર-બજારના અને માર્કેટિંગના ચલકચલાણાની ખબર નહોતી પડતી, એ પણ કોઈ હોશિયાર પાસે જઈ આ અંગે જાણવા તલપાપડ થયા હતા, કે એવી તે કઈ સૂંઠ શેરબજારે ખાધી છે કે એ માંદુ નથી પડી રહ્યું. અને એ સૂંઠ ખવડાવનારો છે કોણ ? અતિ ને ગતિ ન હોય. જ્યારે તમે વધારે સફળ થવા માંડો, તુરંત જ આભે આંબવા માંડો, ત્યારે જ જરાક અમથો ધક્કો લાગે અને તમે ગબડી પડો. પાછો આવો ધક્કો એને જ લાગે જેણે ક્યાંક બેઈમાનીનો સ્વાદ ચાખ્યો હોય.
નેશનલ જ્યોગ્રોફીએ ભારતના 90ના દાયકા પર બનાવેલી ડોક્યુમેન્ટ્રી India @90‘Sમાં હર્ષદ મહેતાને સ્ટોક માર્કેટના અમિતાભ બચ્ચનનું તખલ્લુસ આપ્યું છે. લોકો કહેતા કે ભારતમાં બે જ લોકો સુખી અને સફળ જીવન જીવે છે. એક હર્ષદ મહેતા અને બીજો અમિતાભ બચ્ચન.
મહેતાની કંપનીમાં 1990ના દાયકામાં રોકાણકારોની પૈસા રોકવા તડાફડી થતી હતી. પણ જે કારણે હર્ષદ મહેતાની સ્ટોક માર્કેટમાં મોટી છાપ પડી ગઈ એ કંપનીનું નામ એસોસિએટેડ સિમેન્ટ કંપની. આ કંપનીએ હર્ષદ મહેતાની કંપની સાથે ગઠબંધન કર્યું અને ફટાફટ રૂપિયા રોકવાના શરૂ કરી દીધા. એસીસી અને મહેતાની જોડી એવી જામી કે થોડા જ દિવસોમાં એસીસીની લંગડી ઘોડી જેવી કિસમત પલટી મારી ગઈ. એસીસીનો જે શેર 200 રૂપિયાના નજીવા દરનો હતો તે અચાનક 9000નો થઈ ગયો. મહેતાના નામના સિક્કા પડવા લાગ્યા.
હવે હર્ષદ મહેતા ગામ આખાની નજરે ચડી ગયો હતો. મેગેઝિન-છાપામાં તેની મુલાકાતો છપાતી હતી. તેની મુલાકાત માટે અધીરા થઈ તંત્રીઓ કેટલાક લેખકોની કોલમો પણ કાપી નાખતા હતા. તેને મોંઘી કાર અને કપડાંનો શોખ હતો. દુરદર્શન 90ના દાયકામાં જે રીતે મનોરંજન ક્ષેત્રમાં ભૂક્કા બોલવતું હતું, એમ જ 90ના દાયકામાં દુખદર્શનરૂપી એક ચિત્રપટ હર્ષદ મહેતા તૈયાર કરી રહ્યો હતો. એક ઝાટકે શેરના ભાવને ત્રણ ગણા કરનારો રાજકોટની મોટી પાનેલીનો આ છોકરો, જેને જ્યારે ખબર પણ નહોતી કે હું ગુજરાતમાં રહું છું ત્યારે જ મુંબઈ આવી ગેયેલો.
29 જુલાઈ 1954માં તેનો રાજકોટની મોટી પાનેલીમાં જન્મ થયો. એ જ ગામ જે મોહમ્મદ અલી ઝીણાનું વતન છે. બાપા શાંતિલાલ મહેતાનો નાનો એવો ધંધો હતો. પણ મુંબઈ શિફ્ટ થઈ જતા હર્ષદનું બાળપણ કાંદિવલીમાં પસાર થયું. શાળાકાળનું ભણતર મુંબઈની જ હોલી ક્રોસ બેરોન બજાર સેકેન્ડ્રી જેવી નામમાં જ એબીસીડી આવી જતી સ્કૂલમાં પૂર્ણ કર્યું. બારમું પાસ થયા પછી કંઈ મોટા ખેલ કરવાની જગ્યાએ લાલા લજપતરાય કોલેજમાં બી.કોમમાં પ્રવેશ મેળવ્યો. આઠ વર્ષ સુધી નાની મોટી નોકરીઓ કરતો રહ્યો. 1976ના વર્ષમાં બીકોમ પાસ કરીને બહાર નીકળ્યો. પ્રથમ નોકરી ન્યૂ ઈન્ડિયા ઈન્સયોરન્સ કંપનીમાં લીધી. આ એ જ જગ્યા હતી જ્યાં હર્ષદને શેર માર્કેટમાં રસ જાગ્યો. જો આ કંપની નહોત તો હર્ષદને આપણે ઓળખતા પણ નહોત. શેર માર્કેટનો ભભડીયો થતા જ તેણે નોકરીને સાયોનારા કરી નાખ્યું.
હવે તેણે હરિજીવનદાસ નેમીદાસ સિક્યોરિટીઝ નામની બ્રોકેઝ ફર્મમાં નોકરી લીધી અને પ્રસન્ન પરિજીવનદાસને પોતાના શેરમાર્કેટના ગુરૂ માની લીધા. પ્રસન્ન પરિજીવનદાસ સાથે રહી તેણે શેર માર્કેટની એક એક ચાલ શીખી લીધી. હવે શેર માર્કેટનો કોઈ માહિર ખેલાડી પણ તેને પરાજીત નહોતો કરી શકતો. સિંહણનો પાઠડો મોટો થાય એટલે એને પોતાનો વિસ્તાર શોધવાનો હોય છે. 1984માં હર્ષદે પોતાની ગ્રો મોર રિસર્સ એન્ડ અસેટ મેનેજમેન્ટ નામની કંપની ખોલી. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં દલાલ તરીકે મેમ્બરશીપ લીધી. એણે પોતાનું પ્યોર ગુજરાતી મગજ એવું દોડાવ્યું કે સ્ટોક માર્કેટમાં તેને બે હુલામણા નામ આપવામાં આવ્યા. એક અમિતાભ બચ્ચન અને બીજું રેજિંગ બુલ.
અમિતાભ બચ્ચનની તો ખબર છે પણ રેજિંગ બુલ એટલે શું ? જે મેદાનમાં સૌથી વધારે લડી શકતો હોય તેને રેજિંગ બુલ તરીકે ઓળખવામાં આવે છે. લડાયક છોકરો. આ જ નામની માર્ટિન સ્કોર્સિસ દિગ્દર્શિત અને રોબર્ટ ડિ નીરો અભિનિત ફિલ્મ પણ છે. જે જેક લમોટાની જીવની રેજિંગ બુલ અ મેમરી પર આધારિત છે.
સ્ટોક માર્કેટના ઈતિહાસમાં તો આ પ્રથમ વખત થઈ રહ્યું હતું કે એક સામાન્ય દલાલ કરોડો રૂપિયાનું રોકાણ કરે છે અને બદલામાં કરોડો રૂપિયાની કમાણી પણ કરે છે. આ યક્ષ પ્રશ્ન બધાના મગજમાં ઉત્પન્ન થઈ રહ્યો હતો. ઈર્ષ્યા પણ થઈ રહી હતી. જેણે હર્ષદ મહેતાને પૃથ્વી પરનાં સ્વર્ગ પરથી નર્કમાં લાવીને રાખી દીધો.
1992નો એ સમય હતો. જેટલું સ્ટોક માર્કેટ ચાલતું હતું તેટલું જ અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા. હર્ષદ મહેતા કેવી રીતે ધંધો કરી રહ્યો છે તેનો પણ સુચેતા દલાલ નામની પત્રકારે જ ભાંડો ફોડ્યો. સુચેતા દલાલે આખી વાત કંઈક આ રીતે સામે રાખી, ‘હર્ષદ મહેતા બેંકની પાસેથી 15 દિવસની લોન લેતો હતો. જેને ત્યાંથી સ્ટોક માર્કેટમાં લગાવી દેતો હતો. 15 દિવસ પછી બેંકને નફા સાથે પૈસા પરત કરી દેતો હતો. 15 દિવસ માટે અને 15 દિવસના ટુકડે ટુકડે કોણ લોન આપે ? આ ખુલાસો થયા પછી હર્ષદને આપેલા પૈસા બેંકો તુરંત પાછા માંગવા લાગી અને હર્ષદ પર એક સાથે 72 ક્રિમિનલ ચાર્જ લાગી ગયા.’
પણ હર્ષદ મહેતા જ્યાં જતો ત્યાં કુંડળીવાળીને બેસી જતો સાપ હતો. તેણે છાપાઓમાં કોલમ લખવાની શરુઆત કરી. ધોનીએ પણ નિવૃતિ બાદ હવે આ જ કરવું જોઈએ. મહેતા અહીં લખી લખીને લોકોને માર્ગદર્શન આપવા લાગ્યો કે તમારે ક્યાં પૈસા રોકવા, કેટલા રોકવા, કયો શેર વેચવો. પણ કોલમિસ્ટ હર્ષદ મહેતા અહીં પણ નાગો થઈ ગયો. મહેતા આ કોલમથી એ જગ્યાએ જ પૈસા લગાવવાની વાંચકોને ફરજ પડાવતો જે કંપનીઓમાં તેના પૈસા રોકાયેલા હોય. ગુજરાતીઓ છાપામાં બિઝનેસના બે પાના ન વાંચતા હોવા પાછળનું આ પણ એક કારણ હોય શકે છે. જોકે હર્ષદ મહેતાએ એક મોટી વાત સાબિત કરી બતાવી કે કોલમિસ્ટ તરીકે પણ અઢળક પુરસ્કાર મળી શકે છે.
આ કેસ એટલો મહાકાય થઈ ગયો હતો કે પૂર્વ પ્રધાનમંત્રી અને એ સમયના કોંગ્રેસના અધ્યક્ષ પી.વી.નરસિમ્હા રાવ પણ ‘હર્ષદ’ વાવાઝોડાની ઝપેટમાં આવી ગયા હતા. જેમને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ મેદાનમાં આવવું પડેલું.
1990 પછીનાં ગુજરાતી ડાયરાઓમાં પણ હર્ષદ મહેતાનું નામ લેવાતું હતું. બાકી ડાયરાવાળા જેવા તેવાનું નામ તો આજની તારીખે પણ લેતા નથી. 72 ક્રિમિનલ કેસવાળો હર્ષદ મહેતા માત્ર એક જ કેસમાં દોષિત સાબિત થયો. જે માટે કોર્ટે તેને પાંચ વર્ષની સજા સંભળાવી હતી અને 25,000નો જુર્માનો લગાવ્યો હતો. 2001ની 31મી ડિસેમ્બરની મોડી રાતે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો. સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને તે મૃત્યુ પામ્યો. તેણે 4000 કે 5000 કરોડનું ગબન કર્યું હતું. હિન્દી અખબારોએ ગબન શબ્દ એટલી વખત વાપરેલો કે પ્રેમચંદની નવલકથા ગબનને પણ ઘણા હર્ષદ મહેતાની આત્મકથા સમજી બેઠેલા.