રાજયમાં વ્યાજખોરો બેફામ બનીને આડેધડ વ્યાજ વસૂલતા હોવા ઉપરાંત ત્રાસ ગુજારતાં હોવાની અનેક વખત રાવ ઉઠે છે ત્યારે આ મામલે રાજ્યમાં પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી છે. જે અંતર્ગત આજે મોરબી ખાતે રાજકોટ રેન્જ આઇજી અશોકુમાર યાદવ અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ દ્વારા વ્યાજખોરોને ચેતવણી આપવામાં આવી હતી.
મોરબીમાં રાજકોટ રેન્જ આઇજી અને એસપી દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરી જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેન્જ આઇજી અશોકુમાર યાદવ અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરોને ચેતવણી આપવામાં આવી છે. અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વ્યાજખોરો ધંધો છોડી દે અથવા જીલ્લો છોડી દે કેમ કે પોલીસ તો છોડશે નહિ. ત્યારે ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં નાગરિકો દ્વારા કુલ ૧૮ રજૂઆતો કરવામાં આવી હતી. જયારે આજે મોરબી પોલીસ દ્વારા યોજાયેલ રેન્જ આઇજીના જનસંપર્ક દરમ્યાન વ્યાજખોરો સામે ૧૪ થી વધુ ફરિયાદો નોધાઇ છે. જેને લઇ ૨૭ થી વધુ આરોપીઓ સામે ગુનો નોધાયો છે. તેમજ એક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ ફરિયાદ નોધાઇ છે. જો કે આ જનસંપર્કમાં વ્યાજંકવાદ સિવાય અન્ય રજૂઆતોને પણ ધ્યાને લઈ કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ જનસંપર્કમાં મોરબીના ૩૦૦ કરતા વધુ લોકો જોડાયા હતા.