રાજ્યભરમાં પોલીસે વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. તેના કારણે હવે વ્યાજખોરોની શાન ઠેકાણે આવી ગઈ છે. 5 જાન્યુઆરીએ શરૂ થયેલી આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં ઘણા લોકોએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે મોરબીમાં પણ ગઈકાલે એક યુવકે બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ કાર્યવાહી આરંભી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીની મહેન્દ્રનગર પ્રભુકૂપા સોસાયટી ખાતે રહેતા અનિલભાઇ હરીલાલભાઇ કંડીયાએ વિરપરડા ખાતે રહેતા સોહીલભાઇ સુમરા પાસેથી રૂપિયા ૫૦,૦૦૦ દરોજના રૂપિયા ૫૦૦ વ્યાજ લેખે લીધેલ હતા. જે બાદ ફરીયાદી પાસેથી આરોપીઓએ રૂપિયા ૩,૨૫,૦૦૦ બળજબરીથી કઢાવી લીધેલ હોય તેમ છતા સોહીલભાઇ સુમરા અને ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ ઝાલા નામના બંને આરોપીઓએ ફરીયાદી પાસેથી હજુ ૭૫,૦૦૦ ની પઠાણી ઉધરાણી કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.