મોરબી સિવિલ હોસ્પિટલમાં અગાઉ કોરોના મહામારીને ધ્યાને લઈને કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર ૧૬ સફાઈ કર્મીઓને ફરજ ઉપર રાખ્યા બાદ અચાનક કોઈપણ જાતની ચેતવણી વગર જ આ તમામ કર્મીઓને છુટા કરી દેવાયા છે.આથી આ સામાન્ય વર્ગના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. દિવાળીના સમયે જ ફરજ ઉપરથી છુટા કરી દેવાતા ૧૬ કર્મચારીઓની દિવાળી બગડી છે.આ મામલે કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે , જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા અને મુસાભાઈ બ્લોચે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી હતી કે ,મોરબીની સિવિલ હોસ્પિટલમાં અગાઉ કોરોના મહામારીને ધ્યાને લઈને કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કર્મચારીઓને ફરજ ઉપર લેવામાં આવ્યા હતા.ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ૧૬ જેટલા કર્મચારીઓને અચાનક કોઈપણ જાતની ચેતવણી આપ્યા વગર જ છુટા કરી દેવામાં આવ્યા છે.આ મામલે કોન્ટ્રાક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા છે અને સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારી પણ યોગ્ય ધ્યાન આપતા નથી. તેથી આ સામાન્ય વર્ગના કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે આ લોકો ભાડાના મકાનમાં રહે છે અને ટંકનું લઈને ટંકનું ખાઈ તેવી તેમની સાવ સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવે છે.જોકે અગાઉ પણ ફરજ દરમ્યાન પીએફ કપાતો ન હતો અને રૂ.૧૦ હજારનું મહેનતાણું ચૂકવાતું હતું હવે તો કોન્ટ્રાક્ટરે એમાં પણ મનમાની ચાલવીને રૂ.૭ હજાર જેટલો પગાર આપવાનું કહીને હાથ ઊંચા કરી દેતા આ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.