રાજ્યમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જે અનુસંધાને આજે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીનાં અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, આજરોજ મોરબી તાલુકાના રંગપર ગામ ખાતે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામા લોકદરબાર યોજાયો હતો. જેમાં ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમાં ન ફસાવા અંગે તેમજ સરકારની યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા. અને જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમા ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ લોકદરબારમાં DYSP પી. એ. ઝાલા તેમજ મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર કે. એ. વાળા અને પીઆઈ સોલંકી તેમજ આશરે 150 જેટલા આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.