સમગ્ર દેશમાં દુષ્કર્મની ઘટનાઓ દીન-પ્રતિદીન વધતી જાય છે. દીકરીઓ અસુરક્ષિત હોય તેવુ લોકો અનુભવ કરી રહ્યા છે. થોડા દિવસ પુર્વે બોટાદ શહેરમાં બાળકીને પીંખી નાખવાની ઘટના બની હતી. નવ વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી તેને મોતને ઘાટ ઉતારતા હાહાકાર મચી ગયો હતો. ત્યારે દેવીપૂજક સમાજની 8 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી તેને મારી નાખવા મામલે મોરબી જિલ્લા સમસ્ત દેવીપૂજક સમાજ દ્વારા બાળાત્કારી અને હત્યારા આરોપીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ત્વરીત કાર્યવાહી કરી ફાંસીની સજા ફટકારવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવાયું હતું.
આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત તા.૧૫/૦૧/૨૦૨૩ના રોજ બોટાદમાં ગરીબ પછાત દેવીપૂજક સમાજની ૯ વર્ષની માસુમ દિકરી કપાયેલ પતંગ પાછળ દોડી રહી હતી. તે સમયે આરોપી રાજેશ દેવસંશ ચૌહાણ નામના ઈસમે, બાળકીને લલચાવી ફોસલાવી બોટાદના ઢાંકણીયા રોડ ઉપર આઈ.ટી.આઈ. પાછળ ફૂલવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ ખંઢેર ક્વાર્ટરમાં લઈ જઈ બાળકી સાથે દુષ્કૃત્ય કરી મોત નિપજાવેલ છે.
જે અન્વયે બોટાદ ટાઉન પોલીસ, પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. ૩૦૨, ૩૭૬ (એ) (બી), ૩૫૪ (એ) તથા પોકસો એકટ કલમ ૫(એમ) ૬,૭,૮ મુજબ ગુનો દાખલ થયેલ છે. ઉક્ત અતિ ઘૃણાસ્પદ, શાલસી દુષ્કૃત્યની ઘટના બનેલ છે. બાળકી સાથેના કમકમાટી ભર્યા દુષ્કૃત્ય હત્યાના કારણે સમાજમાં ખુબ આક્રોશ વ્યાપેલ છે. આ અભાવીય બનાવમાં માસુમ બાળકીના બાળાત્કારી અને હત્યારા વિરૂધ્ધ નિષ્પક્ષ પણે ઘનિષ્ઠ અને ઉંડાણપૂર્વકની તપાસ કરી ગુનામાં પકડાયેલ આરોપી સામે ન્યાયયીક સમય મર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરી દોષિતને ફાંસીની સજા થાય તેવી અમારી લાગણી અને માંગણી છે. તેમ મોરબી જિલ્લા સમસ્ત દેવીપૂજક સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું.