મોરબીમાં અકસ્માતોના સિલસિલાઓ અટકવાનું નામ નથી લઇ રહ્યા. ત્યારે ગત રાત્રીના વધુ એક અકસ્માતની ઘટના હળવદ માળીયા હાઇવે પરથી સામે આવી છે. જેમાં હળવદ માળીયા હાઇવે પરથી પસાર થતી વેળાએ વાધરવા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલ્ટી ખાઈ ગઈ હતી. જેના કારણે બસમાં સવાર દસ થી પંદર જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, હળવદ માળીયા હાઇવે પર વાધરવા ગામ નજીક ગઈકાલે પટેલ વોલ્વો નામની ખાનગી ટ્રાવેલ્સની NL 01 B 2324 નંબરની બસ પસાર થઇ રહી હતી. જે વેળાએ બસે પલ્ટી મારી હતી. જેમાં બસનાં ડ્રાઈવરને ઊંઘ આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. ત્યારે બનાવમાં લીલાબેન રાજેશભાઇ (ઉ.વ.૪૦ રહે. ગાંધીધામ), કાનો દિનેશભાઇ (ઉ.વ.૧૯ રહે.અમદાવાદ), રવિભાઈ પટેલ (ઉ.વ.૩૧ રહે. અંજાર), વિનુભાઈ પરમાર (ઉ.વ.૪૫ રહે. અમદાવાદ), વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ (ઉ.વ.૪૨ રહે. ધોળકા), ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (ઉ.વ.૨૪ રહે. આણંદ), વિજયભાઈ રામચંદ્ર ગુપ્તા (ઉ.વ.૨૩ રહે. અમદાવાદ), સૌરભ સોની (ઉ.વ.૩૦ રહે. બરોડા), કલ્પના દિપક આણંદ દાની (૩૪ રહે. આદિપુર, કચ્છ), ઇરસાદભાઈ આલમભાઈ (ઉ.વ.૩૨ રહે. ગાંધીધામ કચ્છ), દિપક પરસોત્તમ આણંદદાની (ઉ.વ.૩૪ રહે.આદિપુર કચ્છ), દિનેશભાઇ કાંતિલાલ (ઉ.વ.૫૮, રહે.કચ્છ), દિગ્વિજયભાઈ કાનભાઈ (ઉ.વ.૫ રહે. સમીખિયારી કચ્છ) સહીત અંદાજે દસ થી પંદર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે અમુક ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.