મોરબીમાં ટ્રક ચાલકો બેફામ બન્યા છે. ટ્રક ચાલકોની બેદરકારીના કારણે રોજ બરોજ મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં અકસ્માતો વધી રહ્યા છે. જેમાં ઘણા કિસ્સાઓમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પરથી સામે આવ્યો છે. જેમાં ટ્રક ચાલકે મોટરસાઇકલ ચાલકને હડફેટે લેતા મોટર સાઇકલ ચાલક યુવકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, વિષ્ણુભાઇ નંદુભાઇ કતીજા (રહે.હાલ શીવાજી ગોડાઉન લગધીરકા રોડ મોરબી મુળ રહે.ધનતલાવ તા.સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશ) નામનો યુવક પોતાની જીજે-૩૬-ડી-૦૨૯૯ નંબરની સીટી ૧૦૦ બાઈક લઈ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સામેથી જીજે-૨૫-યુ-૨૮૪૫ નંબરના ટ્રકના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી યુવકને બાઇક સહીત રોડ ઉપર ફંગોળી દેતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે યુવકને શરીરે તથા માથાના ભાગે તથા પડખાના ભાગે ગંભીર ઈજા થતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લઈ યુવકના બનેવી નાનાલાલ છગનલાલ ભુરીયાએ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.