ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના પેપર લીક કેસમાં એક તરફ ઉમેદવારો પોતાની વેદના ઠાલવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત એટીએસ દ્વારા રાત્રે બે વાગ્યે આરોપીઓને ઉઠાવ્યા બાદ હવે વધુ એક મોટી સફળતા મળી છે. પેપર લીક કેસનો મુખ્ય આરોપી જીત નાયક હૈદરાબાદથી પકડાયો છે. નોંધનીય છે કે આ પહેલા 15 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા જેમાંથી 10 આરોપીઓ ગુજરાત બહારના છે. જ્યારે બાકીના આરોપીઓ ગુજરાતના છે. પેપર લીક કેસમાં એક કમિટી પણ રચવામાં આવી છે જે પરીક્ષાની તારીખ અંગે મહત્વની જાહેરાત કરશે અને તપાસનો રિપોર્ટ સરકારને સોંપશે.
જુનિયર ક્લાર્ક પેપર લીકમાં અટકાયત કરાયેલા બે આરોપી વડોદરાની હોટલ અપ્સરામાં રોકાયા હતા. પરીક્ષા અગાઉ મોડી રાત્રે સયાજીગંજની હોટલ અપ્સરામાં બંન્ને શખ્સો ગયા હતા. ગુજરાત ATSએ પ્રદીપ અને નરેશ મોહંતીની અટકાયત કરી હતી. બન્ને શખ્સો રૂપિયા 12થી 15 લાખમાં પેપર આપવાના હતા. પ્રદીપ નાયક પશ્વિમ બંગાળનો અને નરેશ મોહંતી સુરતનો રહેવાસી છે. પોલીસની પૂછપરછમાં વધુ વિગતો સામે આવી શકે છે.
જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક કેસ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદથી પેપર વડોદરા લવાયું હતું. પ્રદીપ નામનો શખ્સ પેપર લઈને આવ્યો હતો અને 12થી 15 લાખમાં પેપરનો સોદો થયો હતો. પેપર લઈને આવનાર શખ્સ પ્રદીપ નાયક પશ્ચિમ બંગાળનો છે અને તે રાત્રે સ્ટેક વાઇઝ ટેકનોલોજી નામના કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને પેપર લખાવવાનો હતો. જેના પર ATS પહેલેથી જ વૉચ રાખીને બેઠી હતી ત્યારે ઝડપાયેલ તમામ આરોપીઓની હાલ પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.