મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું હતું. અને મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા ૧૨૬૨ પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેની આજે આરોપીઓને નકલ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ તરફે કોઈ વકીલ હાજર ન રહેતા કોર્ટ દ્વારા આરોપીઓને ખાનગી વકીલ રાખવા મોકો આપવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, આજે મોરબી ઝૂલતા પુલ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે આરોપીઓને ચાર્જશીટની નકલ આપવામાં આવી છે. અને ૧૨૬૨ પાનાની ચાર્જશીટની સત્તાવાર રીતે નકલ સોંપવામાં આવી છે. તેમજ નકલનો દુરુપયોગ નાં કરવા કોર્ટ દ્વારા અનુરોધ કરાયો છે. તેમજ નકલ જેલમાં ન લઈ જવા પણ કોર્ટે ધ્યાન દોર્યું છે. જયારે આ કેસમાં આગામી 1 ફેબ્રુઆરીનાં રોજ ફરી સુનવણી હાથ ધરાશે, જેને લઇ આજે તમામ નવ આરોપીઓને કોર્ટથી જેલ પરત લઇ જવામાં આવ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, મોરબીના બાર એસસિયેશન દ્વારા આરોપીઓ તરફે કેસ ન લડવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે આરોપીઓ તરફે કોઈ વકીલ હાજર રહ્યા ન હતા. જો કે, હાલ પૂરતી કાર્યવાહીમાં કોર્ટ દ્વારા આરોપીઓના વકીલ તરીકે શબાનાબેન ખોખરની નિમણુક કરવામાં આવી હતી.