એક સાથે ૧૩૫ નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે ત્રણ મહિના પૂર્ણ થયા છે, ભલભલાનું કાળજું કંપાવી દેનારી આ દુર્ઘટનાથી સમગ્ર દેશ જ નહીં બલ્કે વિદેશમાં પણ ઘેરા પડઘા પડ્યા છે ત્યારે દુર્ઘટનાના વીતેલા આ ત્રણ મહિના બાદ જેના વિરુદ્ધ લૂક આઉટ નોટિસ ઈશ્યુ થઈ છે તેવા જયસુખ પટેલે અંતે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું છે. જેને લઇ પોલીસ દ્વારા આવતીકાલે એટલે કે ચોવીસ કલાક બાદ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે/
હાલ જયસુખ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે કોર્ટમાં કસ્ટડી માટે અરજી કરતા કોર્ટે આવતીકાલે જેલમાંથી કબજો લઈ રજૂ કરવા આદેશ કરાયો છે. ત્યારે ભારે ગરમાવા વચ્ચે મોરબી કોર્ટ કમ્પાઉન્ડમાં મૃતકોના પરિજનોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ જયસુખ પટેલને મોરબી સબજેલમાં મોકલવામાં આવ્યો છે. જેને લઈ મૃતકોના પરિજનોએ પોલીસ વાનનો ઘેરાવ કર્યો હતો અને “જયસુખ પટેલ હાય હાય” નાં નારા લાગ્યા હતા. તેમજ તેને ફસી આપવા માંગ કરી હતી. જેને લઇ પોલીસ દ્વારા જેલ સુધી જયસુખ પટેલને મુકવા માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જયસુખ પટેલ આજની રાત મોરબી સબ જેલમાં કાઢશે.