મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પોલીસે નવ આરોપીને પકડી પાડ્યા છે અને તે આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થયા બાદ તાકીદે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા દરમ્યાન નવ પૈકી સાત આરોપીઓએ જામીન મેળવવા માટે મોરબી કોર્ટમાં અરજી કરી હતી. જેમની જામીન અરજી અંગે મોરબી કોર્ટ દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ઝૂલતા પુલ કેસના સાત આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી.જે અંગેની કાર્યવાહી માં ગત તા ૨ ફેબ્રુઆરી ના રોજ નામદાર કોર્ટ દ્વારા બન્ને પક્ષોના વકીલોની દલીલો સાંભળવામાં આવી હતી. અને જામીન અરજીના નિર્ણય માટે આજે ૪ ફેબ્રુઆરીની તારીખ આપવામાં આવી હતી. જેને લઇ આજે મોરબી કોર્ટ દ્વારા સાત આરોપીઓની જામીન અરજી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો અને અરજી કરનાર સાત આરોપીઓના જામીન નામંજુર કરવામાં આવી છે જેથી જામીન અરજી કરનાર સાત આરોપીઓ ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બુકીંગ કલાર્ક અને સિક્યુરિટી ગાર્ડ મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મનસુખ ચૌહાણનો જેલવાસ લંબાયો છે.