મોરબી જિલ્લા પોલીસ દ્વારા દેશી દારૂના વિક્રેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પગલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ દરોડા પાડી દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપી પાડી છે.
પ્રથમ દરોડામાં હળવદ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી ડેમ-૦૨ ના વચ્ચેના ભાગે પાળાની જમીન ઉપર રેઇડ કરી અશ્વીન ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભડીયા તથા બળદેવ ઉર્ફે મુન્નો બાબુભાઈ ઝીંઝુવાડીયા દ્વારા ચલાવવામાં આવતી ગેર કાયદેસર દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. તથા આશરે ૨૦૦ લિટર ગરમ આથો તથા આશરે ૪૦૦ લીટર ઠંડો આથો, રૂ.૪૮૦૦/-ની કિંમતનો ૨૪૦ લીટર દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો તેમજ દેશીદારુ (પ્રવાહી)ના હેરા ફેરીમા ઉપયોગમા લેવાતુ રૂ.૨૦,૦૦૦/-ની કિંમતનું હુડકુ મળી કુલ રૂ.૨૭,૫૦૦/ નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે બંને આરોપીઓ સ્થળ પર મળી ન આવતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મક્તાનપર ગામના સ્મશાન પાછળ આવેલ ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી દેશી પીવાનો દારૂ બનાવવાનો ૩૦૦ લીટર ઠંડો આથો રૂ.૬૦૦/- તથા ભઠ્ઠી ગાળવાના સાધનો મળી કુલ કીં.રૂ.૩,૨૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ભઠ્ઠી ચલાવતા જીતેશ ઉર્ફે જીતો કરમશીભાઇ અબાસણીયા (રહે. મક્તાનપર, સ્મશાન પાસે તા.વાંકાનેર)ને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.