માળીયા મીં.ના મહેન્દ્ર ગઢ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક બાળકોને શાળામાં ભણાવી રહ્યા હતા. તે દરમિયાન હૃદય રોગનો હુમલો આવતા તેમને સારવાર અર્થે મોરબી ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા પરંતુ તેમને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, જગદિશભાઇ ખીમજીભાઇ બાવરવા (ઉવ-૫૧ રહે મોરબી સરદાર નગર કિંગ પેલેશ કન્યા છાત્રાલય રોડ મોરબી-૧) મહેન્દ્રગઢ ગામે પ્રાથમીક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા હોઇ જેમાં ગઈકાલે બપોરના સમયે મહેન્દ્ર ગઢ પ્રાથમીક શાળાના રૂમ નં- ૧ મા ધોરણ ૧,૨ વર્ગમા હાજર હતા તે વખતે તેઓને અચાનક છાતીમા દુ:ખાવો થતા ફોર વ્હીલ કાર મારફત તેમને મોરબી ક્રિષ્ના હોસ્પીટલમા સારવારમા લઇ જતા ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી શિક્ષકને મૃત જાહેર કર્યા હતા. જે બાદ મૃતદેહને મોરબી સીવીલ હોસ્પીટલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલના મેડીકલ ઓફીસર ડો. દર્શન કે પટેલ દ્વારા માળીયા મીં.પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરવામાં આવી હતી.