કચ્છ-મોરબી નેશનલ હાઇવે પર એક અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. જેમાં આગળ જતી બાઈકને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું. જેના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી મારી જતા ત્રણથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તથા બેના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર, કલ્યાણભાઇ નારણભાઇ વેકરીયા (રહે-ગામ બળદીયા તા.જી. ભુજ(કચ્છ)) પોતાની GJ-12-CG-9837 નંબરની સિયાઝ કાર લઈ કચ્છ-મોરબી નેશનલ હાઇવે પર દેવ સોલ્ટથી થોડુ માળીયા બાજુ હાઇવે રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેઓએ પોતાની કાર પુરપાટ ઝડપે બેદરકારીથી ચલાવી આગળ જતા મોટરસાયકલને બચાવવા જતા પોતાની કાર પરથી કાબુ ગુમાવી રોડ વચ્ચેના ડિવાઇડર સાથે ભટકાડી દઇ ગાડીને પલ્ટી ખવડાવી દેતા કારમા બેઠેલ કનિશાબેન તથા તેના બાળકો તથા પોતાને નાની-મોટી ઇજા પહોંચાડી હતી. જયારે રામબાઇ કલ્યાણભાઇ વેકરીયા તથા પ્રકાશભાઇ રામજીભાઇ લાખાણી (રહે.બંન્ને ગામ-બળદીયા તા.જી. ભુજ (કચ્છ))ને ગંભીર ઇજા પહોંચાડી તેઓના મોત નિપજાવી દેતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.